રાજકોટ,તા:૦૬ સામાકાંઠાના રણછોડનગરમાં પોલીસના નબળા પેટ્રોલિંગની પોલ ખૂલી ગઈ છે. રણછોડનગર વિસ્તારમાંથી એક ગેંગ દ્વારા 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી કરાઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે, જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
એકસાથે 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી અંગેની ફરિયાદ બાદ ક્રાઈમબ્રાન્ચ, બી-ડિવિઝન સહિત પોલીસ કાફલો દોડતો થઈ ગયો છે. તપાસમાં પોલીસને સીસીટીવીના ફૂટેજ હાથ લાગ્યા છે.
પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ સામાકાંઠાના રણછોડનગર સહિત પાંચ સોસાયટીમાં અંદાજે 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સેટેલાઈટ સોસાયટી, ચંપકનગર, નારાયણનગર ઉપરાંત મોરબી રોડ વિસ્તારમાંથી પણ ચોરીની ઘટના નોંધાઈ છે.
જો કે એક ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ પોલીસે જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં પોલીસ સીસીટીવીના આધારે આખી ગેંગને ઝડપી પાડશે.
આ ગેંગ પોતાની મોડસ ઓપરેન્ડી પ્રમાણે મોડીરાત્રે કારમાં નીકળે છે અને અંધારામાં પડેલી કારને પ્રથમ નિશાન બનાવે છે. ગેંગ દ્વારા પહેલાં કારનો કાચ ફોડવામાં આવે છે અને બાદમાં મ્યુઝિક સિસ્ટમની ઉઠાંતરી કરી લેવામાં આવે છે.