રાજકોટના રસ્તાઓ બન્યાં વાહનચાલકો માટે શિરદર્દઃ અનેક વાહનચાલકો ભોંયભેગા

રાજકોટ,તા.13 રાજકોટ શહેરમાં ભારે વરસાદ પછી ઠેરઠેર રસ્તાઓ ઉબડખાબડ થઇ ગયાં છે.  જાહેર માર્ગો ખાડાખબડાથી એટલા બરબાદ થઇ ચૂક્યા છેકે  વાહનચાલકોની પરેશાનીનો પાર નથી. વ્યવહાર માટે ભારે મુશ્કલી પડી રહી છે. રાજકોટના અનેક  વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે માર્ગો કાચા છેકે પાકા તેની ખબર જ પડતી નથી. એટલા પ્રમાણમાં રસ્તા ખખડધમ થઇ ગયાં છે. વરસાદી પાણી અને ગટરના  ગંદા પાણીના ખાબડાં પણ ભરાઇ ગયાં છે. શહેરના શાસ્ત્રી મેદાનમાં કે જ્યાં કામચલાઉ બસ સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું છે એ રોડ પર એટલે કે લીમડા ચોકથી માલવીયા ચોક તરફ જતાં રોડ પર બસ સ્ટેશનના ગેઇટની સામેના ભાગનો રસ્તો ચીકણી માટીને કારણે  લપસણો થઇ જતાં એકપછી એક  ટુવ્હીલર ચાલકો સ્લીપ થયા હતાં. રસ્તા વચ્ચોવચ ગબડેલા વાહન ચાલકોને નાની મોટી ઇજાઓ થઇ હતી.. જોકે શહેરના એક સેવાભાવી વ્યકતિએ  આ સ્થળે પથ્થરો-ઇંટોની આડશ મુકી બીજા વાહન ચાલકો સ્લીપ ન થાય એ માટે તેઓને સાઇડમાંથી વાહન હંકારવા કહ્યું હતું.  અન્ય વિસ્તારોમાં એવા અનેક માર્ગ છે જ્યાં ડામર કે મેટલ રોડનું નામોનિશાન મટી ગયું હતું. તેમજ ઉબડ ખાબડ રસ્તાઓ જ જોવા મળ્યાં હતાં. હવે મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે તંત્ર  હવે રસ્તાના સમારકામમાં જોતરાય તે આવશ્યક છે. નહીં તો રાજકોટવાસીઓને વાહન લઇને રસ્તા ઉપર નિકળવું દુષ્કર બની જશે. તેમજ હાડકાંના દુખાવો ભેટમાં મળી જશે.