રાજકોટના વૈભવી મોલ બન્યા મચ્છરોનું બ્રીડિંગ સેન્ટર

રાજકોટ,તા:૧૯ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મચ્છરોના ઉપદ્રવ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં રાજકોટના વૈભવી મોલમાં મચ્છરોના ઉપદ્રવ સાથે મોટા પ્રમાણમાં મચ્છરના લારવા મળ્યા હતા. કોર્પોરેશને અગાશી પર પક્ષીના પાણીની કુંડી, ટાયર, પ્લાસ્ટિક બાઉલ, પાણીના ખાડામાં ભરાયેલાં વરસાદી પાણીમાં મચ્છરોના લારવા મળ્યા હતા.

કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે મચ્છરોના ઉપદ્રવ અંગે રિલાયન્સ, ઈસ્કોન, બિગબજાર, ડીમાર્ટ સહિતના મોલમાં તપાસ હાથ ધરી હતી, જેમાં પાણીનાં ખાબોચિયાં, ધાબા પર પડેલા પક્ષી માટે મુકેલાં પાણીના કુંડ, ટાયર, ફૂડકોર્ટ પાસે મૂકેલી ડોલમાં મચ્છરો અને મચ્છરના લારવા મળ્યા હતા.

ક્રિસ્ટલ મોલમાં આવેલા લાઈટરૂમમાં જમા થયેલા પાણીમાં, અગાશી પરના ભંગારમાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર ભરાયેલાં પાણીમાં મચ્છરોનું બ્રીડિંગ જોવામાં આવ્યું હતું. રિલાયન્સ મોલના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પાસેના ભંગાર અને કુંડીમાં, વોટર ફિલ્ટર પાછળના ભંગારમાં, સેલરમાં બોક્સ ગટરમાં જમા પાણીમાં પણ મોટા પ્રમાણમાં મચ્છરનું બ્રીડીંગ મળ્યું હતું. આરોગ્ય ખાતાએ દરેક મોલમાંથી મચ્છરોના લારવાનાં સેમ્પલ લેવાની સાથે દવાનો છંટકાવ કર્યો હતો.

કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમમાં મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ અને લારવા મળતાં તમામ મોલ સામે આકરાં પગલાં ભર્યાં છે અને તમામ મોલમાં રૂ.22,500નો દંડ ફટકાર્યો છે.