રાજકોટમાં કોંગ્રેસનાં કોર્પોરેટર્સ અને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત

રાજકોટ મ્યુનિસિપલ બોર્ડની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષોનાં જોરદાર હંગામા બાદ ભાજપ અને કોંગ્રેસનાં કાર્પોરેટર્સ આમને સામને આવી ગયાં હતાં. રાજકોટ મહાનગરપાલિકાનાં વહિવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી ન કરવામાં આવતાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાનું ઠરાવાયું હોવાનાં કારણે સવારથી જ મહાનગરપાલિકાની આસપાસ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેનાં કારણે મહાનગરપાલિકા પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગઈ હતી.
સામાન્ય સભાની શરૂઆત થતાં જ બોર્ડ રૂમમાં વરવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. કોંગ્રેસ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી સામાન્ય સભાની કામગીરી રોકવાનો પ્રયાસ કરાયો હતો. તો રાજકોટનાં બગીચાઓમાં વૃક્ષોની જાળવણી ન થતી હોવાનાં મામલે કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર દ્વારા પ્લાસ્ટિકનું વૃક્ષ લાવી મ્યુનિસિપલ કમિશ્નર અને મેયરને બતાવી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો કોંગ્રેસનાં જ કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવ્યા હોવાથી મહાનગરપાલિકામાં પ્રવેશવા પ્રતિબંધ હોવા છતાં તેઓ સામાન્ય સભામાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ પ્રકારનાં મુદ્દાઓને લઈને ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટર્સ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતાં. અને આ તોફાન દરમિયાન પોલીસે કોંગ્રેસનાં કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. જેનો પણ કોંગ્રેસનાં કોર્પોરેટરો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
રાજકોટ શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપનાં ઈશારે પોલીસ દ્વારા કોંગ્રેસનાં કોર્પોરેટર્સ, કાર્યકરો અને સામાન્ય પ્રજા સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. આટલું ઓછું હોય એમ કોર્પોરેશનનાં સન્માનીય સભ્ય હોવા છતાં પોલીસ કોર્પોરેટરોને ધક્કા માર્યાં હતાં. તેમણે વધુમાં કહ્યું કે, રાજકોટ શહેરમાં પ્રજાકીય સુવિધાનાં નામે સત્તાધારી ભાજપ અને મહાનગરપાલિકાનું વહિવટી તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે ત્યારે સામાન્ય પ્રજાને પડી રહેલી સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે બંધારણની હત્યા કરી અમારો અવાજ રૂંધવાનો પ્રયાસ સત્તાધારી ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે.
કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે વધુમાં આરોપ કર્યો હતો કે, ભાજપનાં ઈશારે કોંગ્રેસનાં કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને કોર્પોરેશનમાં આવતાં રોકવામાં આવ્યાં હતાં. આ મામલે શહેર કોંગ્રેસ સમિતિનાં હોદ્દેદારોએ રાજકોટનાં એસીપી રાઠોડને રજૂઆત કરી તો તેમણે કોંગ્રેસની વાત સાંભળી જ નહિ અને બંદોબસ્તમાં હાજર પોલીસ અધિકારીઓ દ્વારા મહિલા કોર્પોરેટરનો હાથ પકડીને તેમને ધક્કા માર્યાં હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો હતો. મહિલા કોર્પોરેટર સાથે અસભ્ય વર્તનનાં વિરોધમાં કોંગ્રેસનાં તમામ આગેવાનો મહાનગરપાલિકાનાં દરવાજા ઉપર ધરણાં કરવા બેઠાં હતાં ત્યારે પોલીસે જબરદસ્તીપૂર્વક ટીંગાટોળી કરી તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. તેમ જ આ બબાલ દરમિયાન એક આગેવાનને માથાનાં ભાગમાં ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં પાયાની સુવિધાઓ મામલે અનેકવાર પ્રજાએ મહાનગરપાલિકાનાં સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી હોવા છતાં આ મામલે કોઈ નિરાકરણ આવ્યું નથી, ત્યારે પ્રજાનો અવાજ બનીને વિરોધ કરી રહેલાં કોંગ્રેસનાં કોર્પોરેટર્સ, આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂંક મામલે આગામી દિવસોમાં રાજકોટ શહેર કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરે તો નવાઈ નહિ.