રાજકોટમાં કોલેજના બે વિદ્યાર્થી 3.4 કિલો ગાંજા સાથે ઝડપાયા

રાજકોટ,તા:૨૮  એસઓજી પોલીસે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળથી આત્મીય કોલેજના બે વિદ્યાર્થીને 3.4 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ ગાંજો કોલેજના વિદ્યાર્થીઓને જ વેચતા હતા. પોલીસે બંને વિદ્યાર્થીઓની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી છે.

એસઓજીને ગાંજાના ધંધા અંગેની બાતમી મળી હતી કે, તુલસીબાગ પાસેથી બે વિદ્યાર્થીઓ નશીલા પદાર્થ સાથે નીકળવાના છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને બંને વિદ્યાર્થીઓને ઝડપી લીધા હતા. આ બંને વિદ્યાર્થી પાસેથી રૂ.20,400ની કિંમતનો 3.4 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લેવાયો હતો, આ ઉપરાંત તેમનું સ્કૂટર અને મોબાઈલ સહિત 1.55 લાખની મતા પણ જપ્ત કરવામાં આવી હતી. બંને શખ્સની સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.