રાજકોટમાં કોલેજના બે વિદ્યાર્થી 3.4 કિલો ગાંજા સાથે ઝડપાયા

રાજકોટ,તા:૨૮  એસઓજી પોલીસે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળથી આત્મીય કોલેજના બે વિદ્યાર્થીને 3.4 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ ગાંજો કોલેજના વિદ્યાર્થીઓને જ વેચતા હતા. પોલીસે બંને વિદ્યાર્થીઓની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી છે.

એસઓજીને ગાંજાના ધંધા અંગેની બાતમી મળી હતી કે, તુલસીબાગ પાસેથી બે વિદ્યાર્થીઓ નશીલા પદાર્થ સાથે નીકળવાના છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને બંને વિદ્યાર્થીઓને ઝડપી લીધા હતા. આ બંને વિદ્યાર્થી પાસેથી રૂ.20,400ની કિંમતનો 3.4 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લેવાયો હતો, આ ઉપરાંત તેમનું સ્કૂટર અને મોબાઈલ સહિત 1.55 લાખની મતા પણ જપ્ત કરવામાં આવી હતી. બંને શખ્સની સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને જ વેચવામાં આવતો હતો ગાંજો

આરોપીઓ દિવ્યેશ સોલંકી અને હર્ષ ગાંધીએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે આ ગાંજો તેઓ કોલેજના વિદ્યાર્થીને જ વેચતા હતા, જેના બદલામાં તેમને સારી આવક થતી હતી. આરોપી દિવ્યેશના જણાવ્યા મુજબ જે સુરતથી ગાંજાનો જથ્થો લાવતો હતો, જેમાંથી પડીકીઓ બનાવીને તે રૂ.500થી 700માં પડીકીનું વેચાણ કરતો હતો. આરોપીઓ દ્વારા કેટલા વિદ્યાર્થીઓને નશાના રવાડે ચડાવાયા તેમજ આ ધંધામાં સામેલ અન્ય લોકો અને મુખ્ય સપ્લાયર અંગે પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે.

ઉજ્જ્વળ ભવિષ્યને રગદોળી નાખ્યું બંને વિદ્યાર્થીએ

આરોપી દિવ્યેશ સોલંકીની પૂછપરછમાં જણાયું કે કે અનાથ છે, જે અગાઉ ભાવનગરમાં રહી અભ્યાસ કરતો હતો. ધો.12માં પરિણામ સારું આવતાં તેણે રાજકોટની આત્મીય કોલેજમાં બી.ઈ.માં પ્રવેશ મેળવ્યો હતો. હાલમાં દિવ્યેશનો અભ્યાસ પૂર્ણ થવાની તૈયારી જ હતી. જ્યારે અન્ય આરોપી હર્ષ ગાંધી આત્મીય કોલેજમાં જ બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જેના પિતા પીજીવીસીએલમાં ફરજ બજાવે છે. આ બંને વિદ્યાર્થીઓએ પોતાની સાથે અન્ય વિદ્યાર્થીઓની કારકિર્દી પણ નશાખોરીમાં રગદોળી નાખી છે.