રાજકોટ,તા:૦૩ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઠેરઠેર ગંદકીના ઢગ અને મચ્છરના ઉપદ્રવના કારણે ડેન્ગ્યૂ સહિતના મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે.
વરસાદ બાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અંગે કોઈ પગલાં ભરાયાં હોય તેવું દેખાઈ રહ્યું નથી. વરસાદ બંધ થયો હોવા છતાં લગભગ બધા વિસ્તારમાં પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં જોવા મળે છે. કોર્પોરેશનની આ નિષ્કાળજી અને આળસના પરિણામે રાજકોટ શહેરમાં ડેન્ગ્યૂ સહિતના દર્દીઓના આંકડા કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા હજુપણ શહેરમાં ફોગિંગ કરવા અને દવા છાંટવામાં આળસ વર્તાઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, જેનો શિકાર બે વર્ષની માસૂમ બાળકી બની છે.
મધ્યપ્રદેશના વતની અને રાજકોટમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારની પુત્રીને પાંચ દિવસથી સતત તાવ આવી રહ્યો હોવાથી તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની તબિયત વધુ લથડતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.