રાજકોટમાં ડેન્ગ્યૂનો શહેરીજનો પર ભરડો, 13 દિવસમાં 151 કેસ નોંધાયા

રાજકોટઃ,તા:૧૫ ચોમાસું વીતી ગયું પણ કોર્પોરેશન દ્વારા મચ્છરના ઉપદ્રવને નાથવા માટે હજુસુધી ચોક્કસ પગલાં ભરવામાં આવ્યાં નથી, જેના પરિણામ સ્વરૂપ ડેન્ગ્યૂના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હવે જ્યારે શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે ત્યારે રહીરહીને કોર્પોરેશન દ્વારા 392 આશાવર્કર બહેનોની સાથે નર્સિંગ કોલેજ, સેનેટરી ઈન્સ્પેક્ટર, હોમિયોપથી કોલેજના વિદ્યાર્થીઓ અને મેલેરિયા વર્કર્સને મેદાને ઉતારવામાં આવ્યા છે.

ડેન્ગ્યૂના કારણે સરકારી હોસ્પિટલમાંથી મળેલા આંકડા પ્રમાણે છેલ્લા 13 દિવસમાં જ ડેન્ગ્યૂના 151 કેસ નોંધાયા છે, આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ ડેન્ગ્યૂના દર્દીઓ મોટા પ્રમાણમાં દાખલ થયા છે, જે સંખ્યા કોર્પોરેશન દ્વારા આપવામાં આવી નથી. એટલે કહીએ તો કોર્પોરેશનની સ્વચ્છતા અને મચ્છર ઉપદ્રવને દૂર કરવાની આળસ અને અણઆવડતના કારણે શહેરીજનો મોટા પ્રમાણમાં મચ્છરજન્ય ડેન્ગ્યૂના રોગના ભોગ બની રહ્યા છે.