રાજકોટમાં દારૂની ડ્રાઈવનું પોલીસનું નાટક

રાજકોટ,તા:૧૪ ગુજરાત પોલીસ દ્વારા નશાખોરીને ડામવા સખત પગલાં લેવામાં આવી રહ્યાં છે, જેના  પગલે રાજકોટ પોલીસે પણ દારૂ અંગેની ડ્રાઈવનું નાટક ઊભું કર્યું. જો આંકડાને જોતાં રાજકોટ  પોલીસે દેશી કે વિદેશી દારૂ વેચનારાને ન પકડીને દારૂ પીનારાઓને જ પકડી આંકડા આપ્યા હોય  તેવું લાગી રહ્યું છે.

રાજકોટ પોલીસે દારૂ અંગેની ડ્રાઈવરૂપે 25 સ્થળે દરોડા પાડીને 21 શખ્સોને ઝડપી કાર્યવાહી કરી  હોવાનું દર્શાવ્યું છે, જેમાં 25 સ્થળેથી માત્ર રૂ.2860નો જ દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. એટલે  કે જોવા જઈએ તો 114 રૂપિયાનો દારૂ જ વ્યક્તિદીઠ ઝડપાયો હતો. પોલીસે ઝડપી લીધેલા 21  શખ્સો પૈકી દરેક પાસેથી માત્ર રૂ.40થી 200 સુધીનો જ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે  દર્શાવે છે કે પોલીસે દારૂના અડ્ડા ઉપર તો નહીં પણ દારૂ પીનારાને જ ઝડપી પાડ્યા છે.

પોલીસનું આ વલણ ક્યાંક સાબિત કરે છે કે તેમના દ્વારા બુટલેગર્સને છાવરવામાં આવી રહ્યા છે.  અગાઉ પણ સ્થાનિકો દ્વારા પોલીસ આવા બુટલેગર્સ પાસેથી મસમોટો હપતો લેતી હોવાના આરોપ  થયા હતા. આ વખતે ઝડપાયેલા શખ્સો અને જપ્ત કરાયેલા દારૂનું પ્રમાણ પણ ક્યાંકને ક્યાંક આ  આરોપોને સમર્થન આપી રહ્યા છે.

દારૂના દરોડા અંગે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, પોલીસ માત્ર બતાવવા માટે જ દરોડાની કાર્યવાહી કરે છે, બીજી બાજુ પોલીસ કર્મચારીઓ જ દારૂની ભઠ્ઠીવાળાને સુરક્ષા પૂરી પાડે છે, અને તેની સામે હપતો મેળવે છે. લોકોમાં તો ત્યાં સુધી ચર્ચા થઈ રહી છે કે ભાજપના નેતાઓ અને ધારાસભ્યોની ખુદની જ બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, જેનાથી જે-તે પોલીસ કર્મચારી અને અધિકારી સારી એવી મલાઈ ખાઈ રહ્યા છે.