રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન” હેઠળ જનજાગૃતિ અભિયાનની સાથોસાથ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં જ્યાં ત્યાં બાંધકામ વેસ્ટ (કાટમાળ) ફેંકનારા લોકો સામે કડક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા નિયત કરવામાં આવેલાં બે સ્થળો સિવાય અન્યત્ર બાંધકામ વેસ્ટ ફેંકનારા લોકોને રૂ.50,૦૦૦થી માંડીને રૂ. 1,૦૦,૦૦૦ સુધીનો દંડ કરવામાં આવશે અને બાંધકામ વેસ્ટ માટે વપરાયેલું વાહન પણ જપ્ત કરી લેવામાં આવશે. બાંધકામ વેસ્ટ જ્યાં ત્યાં ફેંકવામાં આવ્યા બાદ અન્ય લોકો પણ ત્યાં બીજો કચરો ફેંકવા લાગે છે અને તેના કારણે એ સ્થળ ન્યુસન્સ પોઈન્ટ બની જાય છે. આ સ્થિતિ પર અંકુશ મુકવા બાંધકામ વેસ્ટનો યોગ્ય સ્થળે નિકાલ થાય તે ખુબ જ જરૂરી છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયાધાર પાસે અને કોઠારિયા સોલવન્ટ પાસે જગ્યા નક્કી કરવામાં આવી છે.
બિલ્ડરો, ડેવલપર્સ અને અન્ય નાગરિકો તેમના બાંધકામ વેસ્ટનો આ સ્થળોએ જ નિકાલ કરે તેવી વિનંતી સહ જાહેર અપીલ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં રોજ કુલ 577 ટન કચરામાં બાંધકામ વેસ્ટનું પ્રમાણ સરેરાશ 40 ટન જેવું રહેતું હોય છે. અન્ય કચરાની સાથોસાથ બાંધકામ વેસ્ટનો પણ યોગ્ય ઢબે નિકાલ થવો જોઈએ, પરંતુ કેટલાક લોકો તેને અનુસરતા નહી હોવાને કારણે શહેરમાં ક્યાંક ક્યાંક બાંધકામ વેસ્ટનું ન્યુસન્સ જોવા મળતું રહે છે. આ સ્થિતિ બદલવા માટે હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
બાંધકામ વેસ્ટનો નિકાલ કરનારી એજન્સીઓએ હવે મહાનગરપાલિકાની ટી.પી. શાખામાં ફરજીયાત પણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બિલ્ડરો અને ડેવલપર્સે પણ બાંધકામ વેસ્ટના નિકાલ માટે આ રજિસ્ટર્ડ એજન્સીના આવશ્યક ડોક્યુમેન્ટ મહાનગરપાલિકામાં રજૂ કરવાના રહેશે, અન્યથા તેમના પ્લાનની મંજૂરી અટકાવી દેવામાં આવશે તેવો મનપા કમિશ્નર દ્વારા આદેશ પણ કરવામાં આવ્યો છે.