રાજકોટમાં બીમારીથી કંટાળીને માતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત

રાજકોટ,તા:૧૬ નવા ખોરાળાના વિજયનગર ખાતે રહેતા પરિવારનાં માતા અને પુત્રએ પોતાની બીમારીની સ્થિતિથી તંગ આવીને ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. મોરબી રોડ પર નવા ઓવરબ્રિજ નીચે 40 વર્ષીય બ્લડપ્રેશરથી કંટાળેલી માતાએ માનસિક અસ્વસ્થ પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી.

ટ્રેન નીચે પડતું મૂકતાં ઘટનાસ્થળે જ માતા-પુત્રનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે હાથ ધરેલી તપાસમાં પુત્રના ખિસ્સામાંથી એક વિઝિટિંગ કાર્ડ અને ફોટો મળ્યાં હતાં, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને તપાસમાં જણાયું હતું કે, બ્લડપ્રેશરથી પીડાતી માતા ગીતાબહેને પોતાની બીમારી અને પુત્ર કેતનના માનસિક અસ્વસ્થ હોવાથી કંટાળીને આ પગલું ભર્યું છે. જો કે પોલીસે આત્મહત્યાનું અન્ય કોઈ ઠોસ કારણ શોધવા માટે તપાસ યથાવત્ રાખી છે.