રાજકોટ,તા:૧૬ નવા ખોરાળાના વિજયનગર ખાતે રહેતા પરિવારનાં માતા અને પુત્રએ પોતાની બીમારીની સ્થિતિથી તંગ આવીને ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. મોરબી રોડ પર નવા ઓવરબ્રિજ નીચે 40 વર્ષીય બ્લડપ્રેશરથી કંટાળેલી માતાએ માનસિક અસ્વસ્થ પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી.
ટ્રેન નીચે પડતું મૂકતાં ઘટનાસ્થળે જ માતા-પુત્રનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે હાથ ધરેલી તપાસમાં પુત્રના ખિસ્સામાંથી એક વિઝિટિંગ કાર્ડ અને ફોટો મળ્યાં હતાં, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને તપાસમાં જણાયું હતું કે, બ્લડપ્રેશરથી પીડાતી માતા ગીતાબહેને પોતાની બીમારી અને પુત્ર કેતનના માનસિક અસ્વસ્થ હોવાથી કંટાળીને આ પગલું ભર્યું છે. જો કે પોલીસે આત્મહત્યાનું અન્ય કોઈ ઠોસ કારણ શોધવા માટે તપાસ યથાવત્ રાખી છે.
રાત્રે નવેક વાગ્યે માતા ગીતાબહેન પરમાર અને પુત્ર કેતને નવા પુલ પાસે બિલેશ્વર-રાજકોટ રૂટ પર સિકંદરાબાદ-રાજકોટ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું, જેથી ઘટનાસ્થળે જ તેમનાં મોત નીપજ્યાં હતાં. જેમના મૃતદેહોને રેલવે વિભાગના કર્મચારીઓ ટ્રેન દ્વારા જ રેલવે જંક્શન પર લઈને આવ્યા હતા.
વિઝિટિંગ કાર્ડ અંગે તપાસ કરતાં બંને મૃતકો અંગે ઓળખ થઈ હતી, જેમાં જણાયું હતું કે ગીતાબહેન પરમારના બે પુત્ર કેતન અને કૌશિક પૈકી કેતન માનસિક અસ્વસ્થ હતો, જ્યારે બીજો 18 વર્ષીય પુત્ર કૌશિક કારખાનામાં કામ કરે છે, જ્યારે ગીતાબહેનના પતિ નાનજીભાઈ પરમાર છૂટક મજૂરીકામ કરે છે. સાંજે સાતેક વાગ્યે નાનજીભાઈ અને કૌશિક કામે હતાં ત્યારે ગીતાબહેન અને કેતન ઘરેથી નીકળી ગયાં હતાં, પોણા નવ વાગ્યે માતા-પુત્ર ન મળતાં તેમની તપાસ શરૂ કરાઈ હતી.