લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓનો આરંભ થઈ ચૂક્યો છે. એક બાજુ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના માટે મેરેથોન બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમગ્ર દેશમાં ભ્રમણ કરીને પોતાની સરકારની ગાથા કહે છે અને સાથે સાથે નવા પ્રોજેક્ટ્સની ભેટ પણ જે તે રાજ્યોને આપે છે. તેનાં ભાગરૂપે આવતીકાલ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસનાં ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. આ પ્રવાસનાં ભાગરૂપે બપોરે તેઓ ગુજરાતનાં સરહદી જિલ્લા કચ્છમાં વિવિધ પ્રોજેક્ટનું ખાત મૂહૂર્ત કે લોકાર્પણ કરશે તો સાંજે 6 વાગે રાજકોટ ખાતે પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે આલ્ફ્રેડ હાઈસ્કૂલને રાજ્ય સરકાર અને સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા ગાંધી મ્યૂઝિયમ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે તેનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગર પાલિકા અને રાજ્ય સરકારનાં સંયુક્ત ઉપક્રમે આલ્ફ્રેડ હાઈસ્કૂલને ગાંધી મ્યૂઝિયમ તરીકે વિકસિત કરવા પાછલ અંદાજે રૂપિયા 26 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મ્યૂઝિયમમાં કૂલ 40 રૂમ છે જેમાં 19 રૂમ ઉપરનાં ભાગમાં અને 19 રૂમ નીચેનાં ભાગે આવેલા છે. આ ઉપરાંત 2 મોટા હોલ મ્યૂઝિયમમાં પણ બનાવવામાં આવ્યાં છે. જે રૂમ છે તેમાં 11 મોટા રૂમમાં ગાંધીજી દ્વારા કરવામાં આવેલાં સત્યાગ્રહની ઝાંખી રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત લેટેસ્ટ ટેક્નોલોજીનાં ઉપયોગ સાથે 20 મિનીટનો એક થ્રીડી શો પણ તેમાં દર્શાવવામાં આવશે. જેનાં માટે એવું કહેવાય છે કે આ ભારતનું સૌથી મોટું થ્રીડી મેપિંગ છે. આ ઉપરાંત મ્યૂઝિયમમાં ખાદીનું રિસર્ચ, અભ્યાસ અને પ્રદર્શન પણ અહીં કરી શકાશે.
આ મ્યૂઝિયમનાં લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે રાજકોટ આવશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ મહાત્મા ગાંધી મ્યૂઝિયમ, આઈ વે પ્રોજેક્ટ ફેઈઝ-2 અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ પણ કરવાનાં છે. તેમનાં આ પ્રવાસને લઈને સમગ્ર વિસ્તારમાં અને રાજકોટમાં સખત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને 6 SP , 19 DYSP , 39 PI , 168 PSI સહિત કુલ 2750 પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત પોલીસની સાથે SRPની 3 કંપની, BDSની 7 ટીમ અને SPGની ટીમ બંદોબસ્તમાં તૈનાત રહેશે. રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા આવતીકાલે એટલે કે રવિવારે એરપોર્ટથી ગાંધી મ્યૂઝિયમ સુધીનાં માર્ગને નો પાર્કિંગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. આવતીકાલે બપોરે 12થી રાત્રિનાં 10 સુધીનાં સમયગાળા દરમિયાન આ સમગ્ર રૂટમાં કોઈ પણ વાહન પાર્ક કરી શકાશે નહિ. આ ઉપરાંત આ રૂટ પર તમામ પ્રકારનાં વાહનોની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનારા લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, રાજ્યનાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ગણપત વસાવા, કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયા ઉપરાંત રાજકોટના સાંસદ, મેયર, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.