રાજકોટમાં મોહન કુંડારીયા સામે ભાજપના સોમાણીનો વિરોધ

ગુજરાતમાં લોકસભામાં રાજકોટમાંથી ભાજપના મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવતા ભાજપના નેતા જીતુ સોમાણીએ પક્ષ સામે બળવો પોકાર્યો છે. ભાજપ દ્વારા મોહન કુંડારિયાને ટિકિટ આપવાની જાહેરાત થતાની સાથે જ જીતુ સોમાણીએ વાંકાનેરના ભાજપના કાર્યકર્તાઓનું સ્નેહમિલન બોલાવ્યું હતું.

સ્નેહમિલનમાં ભાજપના કાર્યકર્તાઓના મંતવ્યો લઈને જીતુ સોમાણીએ ભાજપ સાથે છેડો ફાડીને પોતે અપક્ષમાંથી પણ ઉમેદવારી નોંધાવવાની તૈયારી બતાવી છે. આટલું જ નહીં તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, ભાજપ દ્વારા મોહન કુંડારિયાની ટિકિટ જો પરત ખેંચવામાં નહીં આવે તો તેઓ મોહન કુંડારિયા વિરુદ્ધ પ્રચાર કરશે. આ ઉપરાંત જીતુ સોમાણીએ મોવડી મંડળમાં રજૂઆત કરી હતી કે, રાજકોટની લોકસભા બેઠક પરથી કોઈપણ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો તેઓ જોરશોરથી પ્રચાર કરી ઉમેદવારને જીતાડવાના તમામ પ્રયત્નો કરશે, પરંતુ જો મોહન કુંડારિયાને ફરીથી ટિકિટ આપવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે.

જીતુ સોમાણીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સેન્સ પ્રક્રિયા સમયે પણ અમે કહ્યું હતું કે, આ વ્યક્તિએ ચારેચાર વિધાનસભાની બેઠકો હરાવી છે. પરંતુ ઠીક છે કે 99 વિધાનસભાની બેઠક ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી. પરંતુ જો આવું ન થયું હોત તો ભારતીય જનતા પાર્ટીની સરકારને બદલે કોંગ્રેસની સરકાર બનત. એ સમયે પણ આ વ્યક્તિએ પક્ષને નુકસાન કર્યું હતું. જો ભાજપ દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે કોંગ્રેસમાં ક્યારેય નહીં જોડાશું, પરંતુ અપક્ષમાંથી ચૂંટણી લડીશું.