રાજકોટ,તા:૧૯ એકતરફ ટ્રાફિકના નિયમોનો તંત્ર દ્વારા કડકપણે અમલ શરૂ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ લાઈસન્સ માટેની લાંબી લાઈનો અને વેઈટિંગે લાખો રાજકોટવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. ટ્રાફિકના નિયમો કડક બનતાં દંડથી બચવા માટે લોકો લાઈસન્સ કઢાવવા એકદમ જ આરટીઓ ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ આરટીઓનો હાલનો સ્ટાફ તેના માટે પૂરતો સાબિત નથી થઈ રહ્યો. ઉલ્લેખનીય છે કે, આરટીઓમાં 104ના મંજૂર સ્ટાફના સ્થાને હાલમાં 47 જગ્યાઓ ખાલી પડી રહી છે, જેમાં મુખ્ય અધિકારી આરટીઓની જગ્યા જ હાલમાં ખાલી પડી છે.
રાજકોટ આરટીઓમાં રોડના આશરે 3000 લોકો લાઈસન્સ કઢાવવા માટે આવી રહ્યા છે, જેથી કરીને ટ્રાફિકના નિયમોનો યોગ્ય રીતે અમલ કરી શકે. જોવાનું એ છે કે લોકોના એકાએક ધસારાને હાલનો આરટીઓનો 57 કર્મચારીઓનો સ્ટાફ પહોંચી નથી વળતો. લાઈસન્સ એટલા બધા લોકો આવી રહ્યા છે કે આરટીઓ દ્વારા હવે વેઈટિંગની યાદી બનાવવામાં આવી છે, જે નવેમ્બર મહિના સુધીનું વેઈટિંગ બતાવી રહી છે. જો કે નવેમ્બર સુધીની આ યાદી હજુ પણ લાંબી થશે, કારણ કે આરટીઓ ખાતે લાઈસન્સ માટે આવનારા લોકો સતત નામ નોંધાવી રહ્યા છે. હાલની સ્થિતિ જોઈએ તો આશરે 10 હજારથી વધુ લોકો લાઈસન્સ અને વેરિફિકેશન માટે વેઈટિંગ લિસ્ટમાં નોંધાઈ ચૂક્યા છે.