ગાંધીનગર – ગુજરાતમાં રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનો કુલ ખર્ચ 1100 કરોડ અંદાજવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2020 સુધીમાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. એઇમ્સનું બાંધકામ ઝડપથી થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને આદેશ કર્યા છે.
AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે તે સંદર્ભમાં ફેબ્રુઆરી ર૦ર૦ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે રૂપાણીએ આદેશ કર્યા છે.
હોસ્પિટલની સમીક્ષા બેઠકમાં મોડલ તથા વિડીયો પ્રેઝન્ટેશન મારફતે હોસ્પિટલમાં ઉપલબ્ધ સગવડતાની વિગતો રૂપામી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. રાજકોટમાં નિર્માણ થનાર આ અદ્યતન AIIMSમાં 750 બેડની કુલ કેપેસીટી તથા વિવિધ 22 જેટલી સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ તેમજ 225 સુપર સ્પેશ્યાલિટી બેડ, 75 ICU બેડ અને કેઝયુલીટી વોર્ડમાં 30 બેડ ઉપલબ્ધ થશે.
આ બેઠકમાં જણાવાયું કે 200 એકર જમીનમાં વિકસિત થઇ રહેલ AIIMS રાજકોટમાં મુખ્ય હોસ્પિટલ, ટીચીંગ માટે એકેડેમિક બ્લોક, હોસ્ટેલ્સ, ફેકલ્ટી માટે રહેવાની વ્યવસ્થા, સ્ટાફ ક્વાર્ટર્સ, આયુષ માટે બ્લોક, દર્દીના સગાવહાલા માટે ધર્મશાળા વ્યવસ્થા, શોપીંગ સેન્ટર, કેન્ટીન કોમ્પલેક્ષ, દિનદયાળ ઔષધિ સ્ટોર્સ જેવી તમામ વિશ્વ કક્ષાની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સંકુલમાં કુલ 16 લાખ સ્ક્વેરફીટ બાંધકામમાં આ તમામ ફેસીટલીટીનો સમાવેશ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ રાજ્ય કક્ષાએથી રૂડા મારફતે ડી.પી. રોડ, પાવર કનેક્શન, વોટર કનેક્શન સહિત તમામ મંજુરીઓ-સગવડો તાત્કાલીક મળી જાય તેવી સુચના સંબંધિત અધિકારીઓને આપી હતી અને કેન્દ્ર સરકારની ટીમને તમામ મદદની ખાત્રી આપી હતી.
સોંપવામાં આવી 200 એકર જમીન
ખંઢેરી ગામ પાસે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ (AIIMS) બનાવવાની તજવીજ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 200 એકર જમીન કેંદ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને સોંપવામાં આવી. આ જમીન પર 800-1000 બેડની સુવિધાવાળી અત્યાધુનિક હોસ્પિટલ રૂપિયા 1200 કરોડના ખર્ચે તૈયાર કરવાની કેંદ્ર સરકારની યોજના છે.
સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં AIIMS શરૂ થતાં 10 જિલ્લાના આશરે 2 કરોડ લોકોને ફાયદો થશે. સાથે જ વૈશ્વિક કક્ષાની આ હોસ્પિટલની જગ્યા એ પ્રકારે નક્કી કરવામાં આવી છે જેથી જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્છથી આવતા દર્દીઓને પણ સરળતા રહે. રાજકોટ મહાનગર પાલિકા (RMC)એ નવો રિંગ રોડ બનાવવા પ્રસ્તાવ મૂક્યો છે. જે સીધો AIIMS સુધી પહોંચાડે. જેથી સૌરાષ્ટ્રના અન્ય શહેરો જેવા કે જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી અને કચ્છથી આવતા દર્દીઓ રાજકોટ શહેરમાં પ્રવેશ્યા વિના હોસ્પિટલ જઈ શકે.
એડિશનલ રેસિડેન્ટ કલેક્ટર કે. બી. પંડ્યાએ કહ્યું, “એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર અને કેંદ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સેક્રેટરીને ગુરુવારે જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તાએ ખંઢેરી નજીક જમીનની માલિકી સોંપવામાં આવી.” જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તાએ જમીન માપણીના કાગળિયા, નકશા અને અન્ય દસ્તાવેજો કેંદ્રની ટીમને સોંપવામાં આવ્યા. કેંદ્રીય આરોગ્ય મંત્રાલયને રાજકોટ રૂરલ ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) તરફથી AIIMSના પ્લાનને મંજૂરી મળે પછી હોસ્પિટલનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે થાય તેવી શક્યતા છે.
RUDAએ રિંગ રોડ 2 અને નિર્માણાધીન રિંગ રોડ 3ને જોડતો 90 મીટર પહોળો રોડ બનાવવાની મંજૂરી આપી દીધી છે. નવો 3.2 કિલોમીટરનો રોડ ઘંટેશ્વરથી ખંઢેરી અને પારા પીપળિયાને જોડશે. રોડના આ નવા નેટવર્કની મદદથી ગોંડલ અને જૂનાગઢથી આવતા લોકો સરળતાથી શહેરમાં પ્રવેશ્યા વિના AIIMS, ખંઢેરી સ્ટેડિયમ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચી શકશે. અમદાવાદથી આવતા લોકો પણ શહેરના ટ્રાફિકમાં અટવાયા વિના સહેલાઈથી AIIMS પહોંચી શકશે.