1989થી ભાજપનો ગઢ ગણાતી રાજકોટ લોકસભામાં 2004 અને 2009માં ભાજપ હાર્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તારમાં 2014માં મોહન કુંડારિયા ચૂંટાયા હતા તેમને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. નવા ઉમેદવારમાં આંતરિક જૂથવાદનો ભય અને સ્થાનિક નેતાગીરીમાં સર્વસંમત તરીકેની છાપના કારણે તેમને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના નામ ચર્ચામાં છે. કુંવરજી બાવળિયા ભાજપના મોહનલાલ કુંડારિયા સામે પરાસ્ત થયા હતા. હવે બાવળિયા ભાજપમાં પક્ષાંતર કરી ગયા છે.
રાજકોટ બેઠક પરંપરાગત રીતે 1977થી પટેલ ઉમેદવારોની ગણવામાં આવી રહી છે. સતત પાટીદારો આ બેઠક ઉપરથી જીતતા આવ્યા છે. 1996થી 2004 સુધી ડો. વલ્લભ કથીરિયા 4 વખત જીત્યા હતા. 1980માં કોંગ્રેસના રામજી માવાણી અને ત્યારબાદ 1994માં રમાબહેન માવાણી પણ કોંગ્રેસ તરફથી જીતીને સંસદ સુધી પહોંચ્યા હતા. 1989મા ભાજપના શિવલાલ વેકરિયા જીત્યા હતા. 2009મા નવા સીમાંકન બાદ ભાજપે આયાતી ઉમેદવાર કિરણ પટેલને ઊભા રાખતા આંતરિક ફાટફૂટના કારણે કોંગ્રેસના કુંવરજી બાવળિયા જીતી ગયા હતા. તેઓ 2014માં ભાજપ સામે હારી ગયા હતા અને હવે તેઓ પોતે જ ભાજપમાં પક્ષપલટો કરી ગયા છે.