રાજકોટ,તા:૦૩ કોર્પોરેશને પાર્કિંગના પ્રશ્નને હલ કરવા માટે શહેરના વિવિધ વિસ્તારમાં 33 સ્થળે પૅ એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવા નિર્ણય કર્યો છે, જેના માટે કોર્પોરેશન દ્વારા રિ-ટેન્ડર બહાર પડાયા છે.
અગાઉ પણ આ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં સારી અને નબળી બંને સાઈટ ફરજિયાત રાખવાનો અને અનુભવી લોકો દ્વારા જ ટેન્ડર ભરવા અંગેની શરત રાખવામાં આવી હતી. કોર્પોરેશને આ અંગે ત્રિકોણબાગ, અખાભગત ચોક, કેકેવી ચોક, માધાપર ચોકડી, યાજ્ઞિક રોડ, આત્મિય કોલેજ, મોચીબજાર, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઢેબર રોડ, જ્યુબિલી શાકમાર્કેટ, વાજપેયી ઓડિટોરિયમ સામે, પંચાયતનગર ચોક, રૈયા ચોકડી, મવડી ચોકડી, પ્રમુખસ્વામી ઓડિટોરિયમ સહિત 33 સ્થળે પૅ એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં ટુ-વ્હીલરનો એક કલાકનો દર રૂ.2થી 24 કલાકનો દર રૂ.20 નક્કી કરાયો છે, તેવી જ રીતે કાર માટે એક કલાકના રૂ.2થી લઈ 24 કલાકના રૂ.40, જ્યારે હેવી વ્હીકલ માટે એક કલાકના રૂ.10થી લઈ 24 કલાકના રૂ.100નો દર નક્કી કરવામાં આવ્યો છે.
પૅ એન્ડ પાર્ક માટે અગાઉ પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જો કે તેમાં સારી સાઈટ લેનારે ફરજિયાતપણે નબળી સાઈટ લેવાનું નક્કી કરાયું હતું, ઉપરાંત અનુભવી જ ટેન્ડર ભરી શકે તેવી શરત રાખી હતી, જે મંજૂર ન હોવાથી કોન્ટ્રાક્ટર્સ દ્વારા કોઈ રસ લેવામાં આવ્યો નહોતો, જે નિયમ આ વખતે દૂર કરવામાં આવ્યો છે. જો કે પાર્કિંગમાં મૂકેલાં વાહનને નુકસાન થવા અને પોલીસ ફરિયાદના કેસને પહોંચી વળવા માટે કોન્ટ્રાક્ટરે ફરજિયાત વીમો લેવાના નિયમને જેમનો તેમ રખાયો છે.