રાજકોટ, તા. ર૪
મ્યુ. કોર્પોરેશન દ્વારા ર૭ સુધી દિવાળી કાર્નીવલનો પ્રારંભ ભાજપ મહિલા મોર્ચાનાં પ્રમુખ અંજલી રૂપાણીનાં હસ્તે કરાયો હતો. આ પ્રસંગે અંજલી શહેરીજનોને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવેલુ કે દેશમાં રાજકોટ દિવાળી કાર્નીવલ આયોજન કરનારૂ પ્રથમ શહેર છે ત્યારે આ કાર્નીવલ રાજકોટના મોરપીચ્છ સમાન છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહયા હતા. રાજકોટ પહેલેથી જ રંગીલું શહેર તરીકે જાણીતું છે. તમામ ઉત્સવો જેમકે જન્માષ્ટમી, દિવાળી, હોળી-ધુળેટી, ઉતરાયણ વિગેરેની ઉજવણી ખુબ ધામધૂમથી કરે છે તેમજ રાજકોટ ઉત્સવપ્રેમી શહેર તરીકે જાણીતું છે. રંગોળી સ્પર્ધામાં પણ ૨૫૦૦થી વધુ જેટલી બહેનોએ પરિવાર સાથે ભાગ લીધેલો છે જે ખરેખર રેકોર્ડ હશે. અંજલી રૂપાણીએ શહેરીજનોને દિવાળી તહેવારો પ્રસંગે શુભકામના પાઠવેલી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, તહેવારોની ઉજવણીથી મનુષ્યના જીવનમાં એક નવો સંચાર પૂરે છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિકાસની સાથે સાથે તમામ જુદા જુદા તહેવારોની ઉજવણી કરે છે. આજરોજ દિવાળી કાર્નિવલની સાથે રંગોળી સ્પર્ધાનું આયોજન કરેલ છે જેમાં ૮૦૦થી વધુ બહેનોએ પરિવાર સાથે ભાગ લીધેલ છે. તે બદલ તમામને ખુબ ખુબ શુભકામના પાઠવું છું. આ કા્યક્રમમાં ઉપસ્થિત દિવ્યાંગ બાળકોને બગીમાં બેસાડીને દિવાળી કાર્નિવલનો આનંદ કરાવવામાં આવ્યો હતો.. દિવાળી કાર્નિવલ ૨૦૧૯માં ચાર દિવસ માટે શાનદાર રંગબેરંગી રોશની, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, લાઈવ બેન્ડના મ્યુઝિકલ શો, મ્યુઝિક સાથે લાઈટીંગ, આકર્ષક સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ, આંગણવાડીના બહેનો દ્વારા જુદા-જુદા સ્ટોલ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનુ આયોજન કરવામાં આવેલ છે. ચિત્રનગરી દ્વારા આજરોજ યોજાયેલ રંગોળી સ્પર્ધામાં ૮૭૦ સ્પર્ધકોએ ભાગ લીધેલ છે. સ્પર્ધકોની મદદમાં રહેનાર ચિત્રકારો-પરિવારજનોએ મળી આશરે ૨૫૦૦ લોકો આ સ્પર્ધામાં જોડાયા હતા.