રાજકોટ રેલવે વિભાગે ખુદાબક્ષો પાસેથી 1.48 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ: 05
દિવાળીના તહેવારમાં ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે. ટ્રેનમાં 1 કે 2 બે મહિના પહેલા બુકિંગ કરાવવું પડતું હોય છે. બુકિંગ ન કરાવ્યા વગર પણ લોકો ટ્રેનમાં વગર ટિકિટ મુસાફરી કરતા ઝડપાયા છે. દિવાળીના તહેવારના ઓક્ટોમ્બર મહિના દરમ્યાન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વગર ટિકિટે મુસાફરી કરતા 19469 લોકોને ઝડપી 1. 48 કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના કોમર્શિયલ મેનેજરના જણાવ્યા મુજબ દિવાળીના તહેવાર દરમ્યાન બુકિંગ કરાવનાર મુસાફરોને હેરાનગતિ ન થાય અને વગર ટિકિટ મુસાફરી કરતા લોકોને ઝડપવા માટે ખાસ 45 ટિકિટ ચેકર દ્વારા 51 જેટલી એક્સપ્રેસ ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન વગર ટિકિટ મુસાફરી કરતા 19469 લોકો ઝડપાયા હતા જેમને 1.17 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. અપર કલાસમાં યાત્રા કરતા 5995 મુસાફરો પાસેથી રૂ. 30.80 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. બુકિંગ કર્યા વગર સામાન મોકલવાના 425 કેસ કરવામાં આવ્યા છે જેનો રૂ. 15575 દંડ વસુલાયો છે. ઉપરાંત રેલવે પરિસરમાં ગંદકી ફેલાવનારા 492 લોકો પાસેથી 53800નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.