રાજકોટ શહેર અને જિલ્લામાં વધતો રોગચાળો

રાજકોટ,તા:૧૫ રાજકોટ શહેરમાં અને જિલ્લામાં એકતરફ મચ્છરજન્ય અને પ્રદૂષણયુક્ત પાણીયુક્ત રોગચાળો સતત વકરી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા એક માસમાં ડેન્ગ્યુના માત્ર 12 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. જોવાનું એ છે કે સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલમાં લોકો વધુ સારવાર લઈ રહ્યા છે, જેના આંકડા સામે આવતાં જ નથી.

જનરલ પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હાલમાં ગતવર્ષ કરતાં ડેન્ગ્યુના કેસ ઓછા નોંધાઈ રહ્યા છે, જે અંગે સરકારી હોસ્પિટલમાં રોજના 2થી 3 કેસ આવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. રોજના વાઈરલ ઈન્ફેક્શનના 50થી 60 કેસ આવતા હોવાનું પણ ડોક્ટરે જણાવ્યું હતું.

એક તરફ જ્યાં મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ પોતાની એ.સી. ચેમ્બરમાંથી બહાર નથી આવતા, અને શહેરમાં રોગચાળાના આંકડા દબાવી ઓછો દર્શાવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ જોતાં મ્યુનિ. દ્વારા અપાતા આંકડામાં સામ્યતા દેખાતી નથી.