રાજકોટ,તા:૧૭ સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યૂના કારણે સ્થિતિ વણસી રહી છે. જામનગરમાં તો સ્થિતિ એટલી વિકટ બની છે કે હોસ્પિટલમાં ઊભરાતા દર્દીઓના કારણે પલંગ પણ ઓછા પડી રહ્યા છે, જેથી દર્દીઓને નીચે સૂવડાવવાનો વારો આવી રહ્યો છે. જામનગરની આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલથી બેડ મગાવવાની ફરજ પડી છે.
તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ડેન્ગ્યૂના દર્દીઓથી ઊભરાઈ રહી છે, જેથી ત્યાં પણ દર્દીઓને નીચે સૂવડાવી સારવાર કરવાની ફરજ પડી છે. જોવાનું એ છે કે ડેન્ગ્યૂ માટેના આ વોર્ડમાં કે જ્યાં બેડની સુવિધાના અભાવે દર્દીઓને નીચે સૂવડાવીને સારવાર કરવામાં આવે છે, ત્યાં ડોક્ટર્સ દ્વારા દવા રાખવા માટે એક બેડ રોકી રાખવામાં આવ્યો છે. જે અંગેના સવાલ દરમિયાન સિવિલના ડોક્ટર્સે રીતસર મીડિયા કર્મચારીઓ સાથે દાદાગીરી કરી ઉગ્ર બોલાચાલી કરી હતી. હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા એક બેડ રોકી રાખવા અંગે સવાલ કરતાં રોષે ભરાયેલા ડોક્ટર્સે દાદાગીરી કરતાં મીડિયા કર્મચારીના કેમેરાને તોડવાનો પ્રયાસ કર્યો હતો.
હોસ્પિટલ અંગે તપાસ કરતાં લોકોએ આક્ષેપ કર્યો હતો કે, સિવિલ હોસ્પિટલ દ્વારા ડેન્ગ્યૂના સાચા આંકડા જાહેર કરવામાં આવતા નથી, સિવિલ હોસ્પિટલ દર્દીઓના આંકડા છુપાવે છે.
આરોગ્ય સચિવના મતે સારા વરસાદ, જાગૃતિના અભાવે રોગચાળો વધ્યો
રાજકોટ અને જામનગરમાં ડેન્ગ્યૂના કારણે વણસતી જતી સ્થિતિના પગલે આરોગ્ય સચિવ જયશંકર શિવહરેએ તાત્કાલિક રિવ્યૂ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આરોગ્ય સચિવ દ્વારા રાજકોટ તંત્રની કામગીરીને બિરદાવવામાં આવી હતી. શિવહરેએ વધુમાં કહ્યું કે, આ વર્ષે સારો વરસાદ પડ્યો હોવાના કારણે પાણી ભરાતાં આ સ્થિતિ નિર્માણ પામી છે, ઉપરાંત લોકોમાં જાગૃતિના અભાવે ડેન્ગ્યૂના કેસમાં વધારો નોંધાયો છે. બીજી તરફ સ્થિતિને પગલે હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ સુવિધાના મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.