રાજપથ કલબના બે સભ્યો અનિલ શાહને રાજેશ બ્રહ્મભટ્ટે ફરિયાદ નોંધાવી

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાજપથ કલબના બે સભ્યોએ સામ-સામે ફરિયાદ નોંધાવી છે. કલબની મેનેજિંગ કમિટીના સભ્ય અનિલ શાહને રાજેશ બ્રહ્મભટ્ટે કલબના ઈલેકશનમાં પેનલ નહી ઉતારવા ધમકી આપી છે. અનિલ શાહ પાસેથી 30 લાખ રૂપિયા લેવાના નિકળતા હોય તેની ઉઘરાણી માટે ગયેલા રાજેશ બ્રહ્મભટ્ટને ધમકી અપાઈ હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

રાજપથ કલબની મેનેજિંગ કમિટીના સભ્ય અનિલ માણેકલાલ શાહ (રહે. નિલકંઠ બંગલોઝ, પ્રહલાદનગર, સેટેલાઈટ)ને છેલ્લા કેટલાક દિવસોથી કલબના સભ્ય રાજેશ બ્રહ્મભટ્ટ કલબના ઈલેકશનમાં પેનલ કેમ બનાવે છે તેમ કહી ધમકી આપે છે. રાજેશ બ્રહ્મભટ્ટે અનિલ શાહના ઘરે તેમજ કલબના ફુડ કોર્ટમાં મળીને હાથ પગ તોડી નાંખવાની ધમકીઓ આપે છે. બે દિવસ અગાઉ અનિલ શાહ અને તેમના પત્ની પોલીસ રક્ષણ હેઠળ ઘરે ગયા હતા. આજે રવિવારે બપોરે એક વાગે રાજપથ કલબ ખાતે રાજેશ બ્રહ્મભટ્ટે અનિલ શાહને આંખો કાઢી ડરાવી પાસે બેસી જઈને ધમકી આપી હતી.

રાજેશ બ્રહ્મભટ્ટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અનિલ શાહ વિરૂધ્ધ 30 લાખ રૂપિયાની ઉઘરાણીના મુદ્દે ધમકી આપી હોવાની ફરિયાદ આપી છે. આ ઉપરાંત આનંદનગર પોલીસ સ્ટેશનમાં પણ ગત 17 જૂનના રોજ 30 લાખ રૂપિયાની લેવડ-દેવડના મામલે અનિલ શાહે ગાળો બોલી ધમકી આપ્યાની અરજી કરી રાજેશ બ્રહ્મભટ્ટે કરી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આજે નોંધાવેલી ફરિયાદમાં પણ 30 લાખની રકમની ઉઘરાણી તેમજ ધમકી આપવાનો આરોપ લગાવાયો છે. વસ્ત્રાપુર પોલીસે રાજપથ કલબના બંને સભ્યોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.