અમદાવાદ તા. 08
ભૂતકાળમાં જે રાજપૂત રાજાઓ મુસ્લિમ થઈ ગયા હતા તેમને મોરેસલામ કહેવામાં આવે છે. આવા 8 રાજ્યનાં મોરેસલામ રાજાઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની આગેવાનીમાં પોતાના સમાજમાં પરત આવી રહ્યાં છે અને તે માટે શહેરનાં રિવરફ્રન્ટ ઉપર આગામી 15મી સપ્ટેમ્બરે એક વિશાળ રાજપૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સંઘના સહ સરકાર્યવાહક કૃષ્ણગોપાલ ખાસ ઉપસ્થિત રહેવાનાં છે.
રાજપૂતોને એક મંચ પર લાવવાનો પ્રયાસ
આ અંગે નરેન્દ્રસિંહ સિસોદિયાએ કહ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ આયોજિત આ સંમેલનની વિશેષતા એ છે કે રાજપૂત સમાજ જે વર્ષો પહેલા વિખૂટો પડ્યો છે તેવા તમામ રાજપૂતોને એક મંચ પર લાવવાનો છે. પૂજા પદ્ધતિ ભલે અલગ હોય પણ આજે રાજપૂતોની પરંપરા જાળવી રાખવી તેવા તમામ રાજપૂતો પ્રથમ વખત શહેરમાં સંઘ ના માર્ગદર્શન હેઠળ એકમંચ પર જોવા મળશે. તેમણે કહ્યું કે દેશની એકતા માટે રાજપૂતો શક્તિશાળી રહ્યા છે. અને ફરી એકવાર દેશ માટે કામ કરે એવી ખેવના રાખવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે છેલ્લાં 12 વર્ષથી આ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. સમાજે ગુજરાતમાં 10 સંમેલન યોજ્યા છે. જેમાંથી 6 હિન્દુ સ્ટેટમાં તેમ જ 4 મોરેસલામ સ્ટેટમાં કરવામાં આવ્યા હતા.
કોઈ પણ રાજકીય આગેવાનોને સ્થાન નહી
અમદાવાદમાં દસ હજાર લોકોની એકસાથે ઉપસ્થિતિ સાથેનું આ પ્રકારનું સંમેલન પ્રથમ વખત આયોજિત કરવામાં આવ્યું છે. અને દરેક સ્ટેટમાં આ પ્રકારના સંમેલનો યોજાય છે. આ સંમેલનની વિશેષતા એ છે કે કોઈપણ રાજકીય આગેવાનને સ્ટેજ પર સ્થાન આપવામાં નહિ આવે.
મોરેસલામનો અર્થ
મોરેસલામનો અર્થ સમજાવતા સિસોદિયા કહે છે કે ભૂતકાળમાં જે રાજપૂતો મુસ્લિમ ધર્મ અંગીકાર કરી ચૂક્યા છે તેમને મોરેસલામ કહેવામાં આવે છે. સમાજ દ્વારા રાજપૂતોની એકતાનું કામ હંમેશા કરવામાં આવી રહ્યું છે. જે રાજપૂતો ભૂતકાળમાં પોતાની ઈચ્છાથી મોરેસલામ બન્યા હતા તેઓ તેમની પોતાની ઈચ્છાથી ફરી હિન્દુ બની રહ્યા છે. આવા મોરેસલામ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર અને મહારાષ્ટ્રમાં પણ છે.