શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ દ્વારા 11મું રાજપૂત એકતા સંમેલન 2019 આયોજિત કરાયું હતું. જેમાં કોઈ પણ ધર્મમાં માનનાર હોય, પણ મુળ રાજપૂત વંશના હોય તેમજ રાજપૂત સંસ્કૃતિ, દેશભક્તિ મજબૂત માન્યતા ધરાવતા હોય, તેવા રાજપૂત ભાઇ-બહેનો જોડાયા હતા.
રાજપૂત સમાજના એકતા સંમલેનમાં ભૂતપૂર્વ મહારાજાઓ અને ઠાકોર સાહેબો પધાર્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આરએસએસના સર સહકાર્યવાહ કૃષ્ણગોપાલજી ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. એકતા સંમેલનનો મુખ્ય ઉદેશ્ય વિશ્વમાં ક્યાંય પણ નિવાસ હોય અને અત્યારે કોઈ પણ ધર્મ માનતા હોય પરંતુ મુળ રાજપૂત હોય એવા રાજપૂત લોકોને એક કરવા હતો. 10 વર્ષોથી આવી શિબિર, અધિવેશનનો અને સંમેલનો સમાજ દ્વારા આયોજિત કરાય છે.
આ પ્રસંગે કૃષ્ણગોપાલજીએ કહ્યું કે, આ દેશ અને ધર્મની રક્ષા માટે રાજપૂતોએ ત્યાગ અને બલિદાનો આપ્યા છે. કનલ ટોડના પુસ્તકનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, એક પલ્લામાં રાજપુતોનો ઈતિહાસ અને બીજામાં આખા વિશ્વનો ઈતિહાસ મુકાય તો રાજપૂતોનું પલ્લું ભારે હશે. ભારત પર અનેક આક્રમણો થયા તેનો સામનો રાજપૂતોએ કર્યો છે. ગ્રીક-શક-હૂણ, કુષાણ વેગેરે પણ આવ્યા, પણ આ દેશના સમાજમાં જ સમાઈ ગયા આ સંસ્કૃતિની વિશેષતા છે. તેમણે ઉમેર્યું કે, રાજપૂત સમાજ પરાક્રમી છે પણ પ્રતાડીત નથી. વિવિધ પંથ પૂજા પદ્ધતિ પાળવા માટે આ દેશમાં અવકાશ છે. રાજપુતોની વસુદેવ કુટુંબકમની ભાવના છે.
આ ઉપરાંત સંમેલનમાં 2300 રાજપુતાણીઓએ તલવારબાજી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.