પાલનપુર, તા.૧૧
ગુજરાતના બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના અનાદરા ગામમાં ગુરુવારે બપોરે બેકાબુ ટ્રેલર ચાલકે રિક્ષા, બાઇક અને વીજળીના થાંભલા સાથે ટ્રેલર અથડાવી દુકાનમાં ઘુસી જતા સર્જાયેલી વિચિત્ર દુર્ઘટનામાં ૪ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે ૧૩ જેટલા લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ગુરુવારે બપોરે રાજસ્થાનના મંડારથી અનાદરા તરફ જતા રોડ પરથી પુરઝડપે પસાર થઇ રહેલા ટ્રેલર નંબર એચઆર-૬૯-સી-૩૬૧૬ ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ટ્રેલર અનાદરા બસ સ્ટેન્ડ નજીક રોડની સાઇડમાં ઉભેલી જીપ નંબર આરજે-૨૪-ટીએ-૨૮૩૨, રિક્ષા નંબર આરજે-૨૪-પીએ-૧૯૬૩ તથા જીપ નંબર આરજે-૨૪-ટીએ-૨૭૮૮ ને અડફેટે લઇ વીજળીના થાંભલા સાથે અથડાઇ રોડ નજીક આવેલી દુકાનમાં ઘુસી ગયું હતું.
આ વિચિત્ર દુર્ઘટના વખતે લોકો ટ્રેલર નીચે દબાઇ ગયા હતા. બનાવની જાણ થતાં સિરોહીના પોલીસ અધિક્ષક કલ્યાણમલ મીણાએ તુરંત પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી જઈ જેસીબી મારફત ટ્રેલર નીચે દબાયેલા લોકોને બહાર કઢાવી ઇજાગ્રસ્તોને સિરોહીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં ૩ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બાળકો સહિત ૧૩ને ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્તોને સિરોહી ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
મૃતકોમાં હિમારામ સોમારામ ચૌધરી(રહે.અનાદરા), દિનેશ જીવારામ ગરાસિયા (રહે.ફતેહપુરા-આબુરોડ), ધર્મશીલા ઉર્ફે ધનીદેવી ગોવિંદભાઇ ચૌધરી (રહે.અનાદરા), દલપત ઉર્ફે દલારામ શંકરજી દેવીપૂજક (વેલાગરી-અનાદરા) આ ચારેના મોત થયા છે.