નવસારી-સુરતના સાંસદ સી આર પાટીલની અગાઉની નિષ્ફળતાને ધ્યાનમાં લીધા વગર ફરી એક વખત તેમને મધ્ય પ્રદેશની ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી છે. સી આર પાટીલને ઇલેક્શન સ્પેશ્યાલિસ્ટ તરીકે તેમના ખબરીઓ ચિતરે છે. પણ તેમને જ્યાં જવાબદારી સોંપવામાં આવી છે ત્યાં ભાજપનો ધબડકો થયો છે. ભાજપના નેતાઓ જ હવે કહે છે કે જ્યાં પાટીલ ત્યાં પરાજય હોય છે.
ભાજપે સી.આર. પાટીલને મધ્યપ્રદેશમાં ઇન્દોર મત વિસ્તારની વિધાનસભાની કેટલીક બેઠકો પર પ્રચારની જવાબદારી સાથે પ્રભારી બનાવ્યા છે.
એપ્રિલ 2018માં તેમને કર્ણાટકની ચૂંટણીમાં 29 વિધાનસભાની બેઠકની જવાબદારી સોંપાઈ હતી. જેમાં મોટા ભાગની બેઠકો ભાજપ હારી ગયો હતો અને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. ભાજપ કર્ણાટકમાં સત્તા મેળવવા માંગતો હતો પણ તેના ગણિત આ 29 મહત્વની બેઠક પર ઉંધા પડતાં ભાજપે સત્તા ગુમાવવી પડી હતી.
કર્ણાટકમાં 30 જિલ્લામાં 224 વિધાનસભાની બેઠકો છે. જેમાં 6 જિલ્લાની 29 બેઠકો જીતવી આવશ્યક હતી. કારણ કે ત્યાં ભાજપ માટે સારું વાતાવરણ હતું. પણ પાટીલ માઈક્રો પ્લાનીંગ કરી ન શક્યા તેથી ભાજપે આ વિસ્તારની મોટાભાગની બેઠકો ગુમાવી હતી. ભાજપના નેતાઓએ તેમના પર ભરોસો મૂક્યો હતો જે તૂટ્યો હતો. તેઓ નવસારી જિલ્લા ભાજપમાં ચાલતાં વિખવાદો સંભાળી શકતાં નથી અને કર્ણાટકમાં ભાજપને ચૂંટણી જીતાડવા માટે મોટા દાવાઓ તે સમયે કર્યા હતા. પણ તે નિષ્ફળ રહ્યાં હતા. તેઓ દક્ષિણ ગુજરાતમાં પણ એવો દાવો કરે છે કે ભાજપના ટોચના નેતાઓના કારણે ભાજપને દક્ષિણ ગુજરાતમાં વધું બેઠક આવી નથી પણ તેમના કારણે વધું બેઠક ભાજપ જીતી શક્યું છે.
સી આર પાટીલનું ખરું નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે જે મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉતના વતની છે. તેઓ પોલીસ કોન્સ્ટેબલ હતા અને સરકાર સામે કામ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરાયા બાદ તેઓ રાજકારણમાં આવ્યા હતા.
દેશના PM નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સૂત્રને પ્રજા સમક્ષ મૂકી તેને ચરિતાર્થ કરવા અવિરત પ્રયત્નશીલ જણાય રહ્યા છે. આ સંજોગોમાં દેશહિતના કઠોર નિર્ણયો પણ સરકાર લઈ રહી છે અને તેમાં ખરી પણ ઉતરી રહી છે. આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના જ જવાબદાર એવા કેટલાક લોકો PM મોદીના સ્વપ્ન પર પાણી ફેરવતા હોય, તેવી કાર્યપદ્ધતિ અપનાવી રહેલ હોય તેવું જણાય રહ્યું છે.