રાજસ્થાન ફરવા ગયેલા ગાંધીનગરના ત્રણ યુવકનાં ડૂબી જતાં મોત

અમદાવાદ ,06

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રહેતા એક પરિવારના ત્રણ યુવકો રાજસ્થાનના કુંભલગઢ ફરવા ગયા હતા. રાજસ્થાનના રાજસમંદમાં આવેલા ઓડા તળાવમાં કાર ખાબકતાં કારમાં સવાર ત્રણેય યુવક ડૂબી ગયા હતા. આ ઘટના અંગે અમદાવાદ પોલીસે રાજસ્થાન પોલીસ સાથે મળીને તેમની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બે યુવકના મૃતદેહ મળ્યા છે, જ્યારે એકની તપાસ ચાલી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે એક પરિવારના ત્રણ યુવક રોનક, અલ્પેશ અને મંથન ગાંધીનગરથી તેમની સ્વિફ્ટ કારમાં સવાર થઈને રાજસ્થાન ફરવા ગયા હતા. જ્યાં તેઓ નાથદ્વારા દર્શન કરી ઉદયપુર ફરવા ગયા હતા. ઉદયપુર ફરીને તેઓ ત્યાંથી કુંભલગઢ જવા માટે રવાના થયા હતા.

આ દરમિયાન રાજસમંદ નજીક આવેલા ઓડા તળાવની પાસે તેમની કાર અચાનક બેકાબૂ થઈ હતી અને તળાવમાં જઈને પડી હતી. આ દુર્ઘટના બાદ ત્રણેય યુવાનોનો સંપર્ક ન થતાં તેમના પરિવારજનો દ્વારા અમદાવાદ પોલીસને તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવાઈ હતી.

જે અંગે અમદાવાદ પોલીસે તેમના મોબાઈલ ફોનનું છેલ્લું લોકેશન મેળવ્યું હતું. આ લોકેશનના આધારે અમદાવાદ પોલીસે રાજસ્થાનની કેલવાડા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જેમાં સ્થાનિક પોલીસ અધિકારી શયતાનસિંહે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચીને ક્રેન સહિત ડાઈવર્સની મદદથી તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાનમાં અમદાવાદ પોલીસ પણ પહોંચી ગઈ હતી. મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચેલી કેલવાડા અને અમદાવાદ પોલીસે સ્થાનિક લોકોની મદદથી આ ત્રણેય યુવકોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બચાવ ટીમ દ્વારા બે યુવકોના મૃતદેહને બહાર કઢાયા હતા, જ્યારે એક યુવકની શોધખોળ ચાલી રહી છે. યુવકોનાં મોતના સમાચાર મળતાં જ અમદાવાદથી કેલવાડા પહોંચેલો પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે.