રાજુલામાં આવેલા સર્વર રૂમમાંથી ચાલતા સસ્તા અનાજના કાળાબજારના મસમોટા કૌભાંડનો પર્દાફાશ

મામલતદાર કચેરીના ઓપરેટર તુષાર ઓઝાએ બોગસ સોફ્ટવેરનો ભાંડો ફોડ્યો

અન્ય રાજ્યોના બોગસ આધારકાર્ડનો જથ્થો હાથ લાગ્યો, ફિંગરપ્રિન્ટ-બારકોડ સ્કેનર અને 17 લેપટોપ-કોમ્પ્યુટર કબ્જે લીધા

અમરેલી જિલ્લામાં ભૂતિયા રેશનકાર્ડના કૌભાંડ બાદ તંત્રએ હાથ ધરેલી તપાસમાં સસ્તા અનાજના કાળાબજારના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજુલાની એક દુકાનમાંથી ચાલતા રેકેટની તપાસમાં તંત્રને એક સર્વર રૂમ મળી આવ્યો છે. સર્વર રૂમમાંથી અન્ય રાજ્યના સંખ્યાબંધ બોગસ આધારકાર્ડ, 17 લેપટોપ-કોમ્પ્યુટર, પેનડ્રાઈવ, ફિંગરપ્રિન્ટ અને બારકોડ સ્કેનર પોલીસને હાથ લાગ્યા છે. ગરીબોના હક્કનો અનાજ, ખાંડ અને કેરોસીન સહિતનો જથ્થો પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટમમાં ચેડાં કરી કરોડો રૂપિયા ઘર ભેગા કરનારી ટોળકી સામે પોલીસે ગુનો નોંધ્યો છે. કાળા કારોબાર માટે બોગસ સોફ્ટવેર આપનારા જુદીજુદી મામલતદાર કચેરીના છએક ઓપરેટર તેમજ અન્ય લોકોને ડીટેઈન કરી કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ મથામણ કરી રહી છે.

ભૂતિયા રેશનકાર્ડનો વિવાદ સામે આવતા શરૂ થયેલી તપાસ અંગે અમરેલી કલેકટર આયુષ ઓકે જણાવ્યું છે કે, છેલ્લા દોઢેક વર્ષમાં 30 પોલીસ ફરિયાદ અને પીબીએમ એક્ટ હેઠળ 6 કેસ કર્યા હતા. આઠેક મહિના અગાઉ સરકારે ફૂડ કુપન માટે આધાર વેરીફિકેશન ફરજીયાત કરી દીધું હતું. ત્યારબાદ પણ ફરિયાદ મળી હતી કે, સીસ્ટમમાં રહેલી ખામીનો લાભ લઈને ઓફલાઈન સેલ (વેચાણ) કરીને કાળાબજારનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેથી જુદીજુદી આઠ ટીમ બનાવી અમરેલી, રાજુલા, ધારી, જાફરાબાદ અને ખાંભામાં આવેલી સસ્તા અનાજની 16 દુકાનોમાં સર્ચ કરી તેમના લેપટોપ-કોમ્પ્યુટર કબ્જે કરી ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલ્યા હતા. સર્ચ દરમિયાન રાજુલામાં આવેલી શાંતુબેન લાલજીભાઈ સરવૈયાની દુકાન પાસેના રૂમની શંકાના આધારે તપાસ કરતા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો એક મોટો સર્વર રૂમ મળી આવતા તેને સીલ કરી અમરેલી એસપીને ફોરેન્સિક એક્સપર્ટ થકી તપાસ કરવા માટે જાણ કરાઈ. સમગ્ર મામેલે શંકાના આધારે 19 લોકોની પૂછપરછ કરવામાં આવતા સીસ્ટમમાં છેડછાડ કરી પાછળની તારીખમાં વેચાણ દર્શાવતા હતા. જે સરકારી સીસ્ટમમાં ઓનલાઈન વેચાણ જ દેખાતુ હતું.

પ્રાથમિક તપાસમાં આ રેકેટ મોટા માથા ચલાવતા હોવાની માહિતી સામે આવતા ખાંભા મામલતદાર કચેરીના ઓપરેટર તુષાર ઓઝા સહિતના પાંચ ઓપરેટર તેમજ કોમન સર્વિસ સેન્ટરના જિલ્લા મેનેજર અભય હસમુખભાઈ મોડાસીયા સહિતના લોકોની તપાસ પોલીસ કરી રહી છે. કરાર આધારિત નોકરી કરી રહેલા તુષાર ઓઝાએ બોગસ સોફટવેર અભય મોડાસીયાએ આપ્યું હોવાનું તેમજ વડોદરા-જામનગરના શખ્સ આ સોફ્ટવેર વેચતો હોવાની માહિતી સામે આવી છે.

રાજુલા પોલીસે આ મામલે જિલ્લામાં આવેલી સસ્તા અનાજની જુદીજુદી 16 દુકાનોમાંથી જાન્યુઆરીથી ગત જુન એટલે કે, છ મહિનામાં 1,27,040 કિલો ઘઉં, 61,139 કિલો ચોખા, 7395 કિલો ખાંડ અને 33,178 લીટર કેરોસીન કાળાબજારમાં વેચી દેનારા દુકાન માલિકો તેમજ આ કૌભાંડમાં સામેલ અન્ય શખ્સો સામે સરકાર સાથે છેતરપિંડી કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

સર્વર રૂમમાંથી ક્રિપ્ટો કરન્સીનો ડેટા હાથ લાગ્યો

સસ્તા અનાજના કાળા કારોબારની તપાસમાં અમરેલી પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું છે. રાજુલામાં દુકાન ચલાવતા શાંતુબહેનનો પુત્ર શૈલેષ લાલજીભાઈ સરવૈયા ક્રિપ્ટો કરન્સીના રેકેટમાં સામેલ હોવાના પૂરાવા મળ્યા છે. વીસેક લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા સર્વર રૂમમાંથી સસ્તા અનાજના કાળા કારોબાર ઉપરાંત ક્રિપ્ટો કરન્સીનું રેકેટ ચાલતું હોવાની વિગતો સામે આવતા ફોરેન્સિક એક્સપર્ટની ત્રણ ટીમ સર્વરમાં રહેલો ડેટા ચેક કરી રહી છે. ક્રિપ્ટો કરન્સીના રેકેટમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ હાલ ચાલી રહી છે. સમગ્ર તપાસ બાદ જ ક્રિપ્ટો કરન્સી રેકેટનો ગુનો નોંધવામાં આવશે તેવું અમરેલી એસપી નિર્લિપ્ત રાયે જણાવ્યું છે.

જિલ્લાના તમામ દુકાન માલિકો રેકેટમાં સામેલ

મહિનાના અંત સુધીમાં અનાજ અને કેરોસીન નહીં લેનારા રેશનીંગ કાર્ડધારકોનો જથ્થો અન્ય મહિનાની શરૂઆતમાં એકથી પાંચ તારીખમાં વેચાણ દર્શાવી માલ કાળાબજારમાં વેચી દેવાતો હતો. અમરેલીમાં કુલ 565 સસ્તા અનાજની દુકાનો આવેલી છે. ગત છ મહિનામાં દુકાનદારોએ 44.86 લાખ કિલો ઘઉં, 21.59 લાખ કિલો ચોખા, 2.61 લાખ કિલો ખાંડ અને 11.71 લાખ લીટર કેરોસીનનો જથ્થો કાળાબજારમાં વેચ્યો હોવાની તંત્રએ આશંકા વ્યક્ત કરી છે. આ સમગ્ર મામલાની તપાસ કલેકટર ચલાવી રહ્યા છે.

ફિઝીકલ વેરીફિકેશન કરવામાં આવશે – કલેકટર

રાહતદરનું લાખો કિલો અનાજ તથા લાખો લીટર કેરોસીન કાળા બજારમાં વેચી મારવાના રેકેટની તપાસ મૂળ સુધી કરવામાં આવશે. પહેલી તારીખથી પાંચમી તારીખ સુધીમાં જથ્થો વેચનારા દુકાનદારોએ ક્યા બીપીએલ કાર્ડધારકને અનાજ-કેરોસીન આપ્યું છે તેનો ડેટા મેળવી તેનું ફિઝીકલ વેરીફિકેશન કરવામાં આવશે તેમ કલેકટર આયુષ ઓકે જણાવ્યું છે. આ પ્રક્રિયા લાંબી છે, પરંતુ કાર્ડધારકના ઘરે જઈને તેમને અનાજ-કેરોસીનનો જથ્થો મળ્યો છે તેની ખાતરી કરવામાં આવશે.

બે રૂપિયે કિલોના ઘઉં 20 રૂપિયે વેચાતા

બીપીએલ કાર્ડધારકોને અપાતા બે રૂપિયે કિલો ઘઉં સસ્તા અનાજનો કાળો કારોબાર કરનારી ટોળકી 20 રૂપિયે કિલો વેચતા હોવાની જાણકારી પોલીસને મળી છે. ઘઉં, ચોખા, ખાંડ અને કેરોસીન સહિતની વસ્તુઓ રાહતદરે સરકાર ગરીબોને આપે છે. ગરીબોના હક્કનો અનાજ-કેરોસીનનો જથ્થો બારોબાર કાળાબજારમાં વેચી મારી કરોડો રૂપિયા ઘર ભેગા કરવાના રેકેટમાં સ્થાનિક રાજકારણીઓની સંડોવણી હોવાની અગાઉ અનેક વખત સરકારમાં રજૂઆત થઈ ચૂકી છે.