રાજ્યના લાખો લોકોએ હવે ટુ વ્હીલર પર હેલ્મેટના ઉંચા દંડમાંથી રાહત મળશે, વિજય રૂપાણી સરકારે આજની મળેલી કેબિનેટમાં જાહેરાત કરી છે કે મહાનગરપાલિકા અને નગરપાલિકાના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી, ટ્રાફિકના નવા નિયમો લાગુ કર્યા પછી ઉંચા દંડને કારણે લોકોમા રોષ વ્યાપી ગયો હતો, સાથે જ શહેરી વિસ્તારોમાં ટુ વ્હીલર પર હેલ્મેટમાંથી મુક્તિની અનેક વખત માંગ કરાઇ હતી, જેને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
કેબિનેટની બેઠક પછી વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ માહિતી આપતા કહ્યું કે આજથી હવે શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાને મરજીયાત બનાવ્યો છે. જો કે હાઇવે પર જતા ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે. સરકારની નવી નીતિનું લોકોએ સ્વાગત કર્યું છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટુવ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું જ જોઇએ, કારણ કે મોટો ભાગના અકસ્માતમાં હેલ્મેટ ન હોવાને કારણે ટુ વ્હીલર ચાલકનું મોત થયાના અનેક કિસ્સા છે.