ગુજરાતની મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારમાં 350 કરોડના ખર્ચે 75 ફ્લાયઓવર અને 37 રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની જાહેરાત કરવામાં આ છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે સરકારે 510 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે જ્યારે ગાંધીનગર મેટ્રો રેલ ફેઇઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કામો ટૂંકસમયમાં શરૂ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું હતું કે ગુજરાતની 45 ટકા જનતા શહેરોમાં વસે છે ત્યારે તેમની સુખાકારી માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. મોટા શહેરોમાં ઔદ્યોગિક વિકાસ અને વસતીમાં થતા વધારાના કારણે ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાઓ ઉભી થઇ છે. ટ્રાફિક નિયમનને હળવું કરવા માટે મહાનગરોમાં 54 અને પાલિકા વિસ્તારમાં 21 ફ્લાયઓવર અને 37 રેલવે ફાટકો પર ઓવરબ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે જે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે.
નિતીન પટેલે કહ્યું હતું કે શહેરની આજુબાજુના વિસ્તારો તથા આઉટગ્રોથ વિસ્તારોમાં પણ પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ વગેરે કામો માટે 250 કરોડની આ વર્ષે વિશેષ ફાળવણી કરવામાં આવી છે. રાજયની ઘણી નગરપાલિકાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની નગરપાલિકાઓમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે અને લોકોને નિયમિત પાણીનો પુરવઠો પૂરો પાડી શકાય તે માટે આવી નગરપાલિકાઓ માટે જ વિશેષ રૂ.૨0૦ કરોડની ખાસ ફાળવણી કરવામાં આવી છે.
રાજયમાં ઓછી આવક ધરાવતાં તમામ લોકોને 2022 સુધીમાં ઘર આપવાના હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4.80 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યાં છે જે પૈકી 2.62 લાખ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
અમદાવાદ મેટ્રોની કામગીરી માટે 510 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. એ ઉપરાંત મેટ્રોરેલના બીજા ફેઇઝના ગાંધીનગર તેમજ સુરત મેટ્રોરેલના ના કામો પણ ટૂંકસમયમાં શરૂ કરાશે. આ બન્ને મેટ્રો પ્રોજેક્ટ માટે સર્વે અને તાંત્રિક અભ્યાસ માટે 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રોકાણકારોને સરળતા રહે તે હેતુ થી અરજી, અરજીનું ટ્રેકીંગ, અરજી પરત્વેની ફી ભરપાઈ કરી શકે તથા ડીઝીટલ સીગ્નેચર થયેલ પ્રમાણપત્ર ઓનલાઇન મળી શકે તે પ્રકારની સુવિધા ધરાવતું ઇન્વેસ્ટર ફેસેલીટેશન પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. બાંધકામ પરવાનગી અને બાંધકામ વપરાશ પરવાનગી પરત્વે જી.આઇ.એસ. બેઝ્ડ સીસ્ટમ ડેવલપ કરવામાં આવશે. વિવિધ નાં-વાંધા પ્રમાણ પત્ર માટેની બાહ્ય સંસ્થાઓની ઓનલાઇન સીસ્ટમ સાથે ઇન્ટીગ્રેશન કરવામાં આવેલ છે.
ગુજરાતી
English




