રાજ્યમાં કોંગોનો કાળો કેર : ૬૧ શંકાસ્પદ, નવ પોઝીટીવ અને ચારના મોત

અમદાવાદ, તા.5

અમરેલી, જામનગર , ભાવનગર અને બનાસકાંઠા સુંધી પહોંચેલા કોંગોએ કાળો કેર વર્તાવ્યો છે.  જેમાં અત્યાર સુંધી કુલ ૬૧ શંકાસ્પદમાંથી ૯ પોઝીટીવ અને ચારના મોત થયાં છે. જેને કારણે આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ આરોગ્ય વિભાગ રોગચાળો વ્યાપક બન્યો હોવાની ના પાડે છે. તો બીજી બાજુ કોંગો બાદ વડોદરામાં દેખાયેલા લેપ્ટોસ્પારોસીસના કેસ બાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા તમામના કેસમાં ડે ટુ ડે મોનીટરીંગ અને રિપોર્ટિંગ પણ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આરોગ્ય વિભાગ દ્રારા એક વીડીયો જાહેરાત રજુ કરાઈ

આરોગ્ય વિભાગના એક અધિકારી નામ નહીં આપવાની શરતે જણાવે છે કે ચોમાસું હજુ ચાલી રહ્યું છે. જેને કારણે ડેન્ગ્યુ, ફાલસીફેરમ ના કેસ તબક્કાવાર વધી જ રહ્યાં છે. અલબત્ત કોંગોમાં અત્યાર સુંઘી નવ પોઝીટીવમાંથી ૪ વ્યક્તિ ના મોત સરકાર માટે ચિંતાજનક છે. આથી આ અંગે લોકો પણ વધુ જાગૃત બને એ જરૂરી છે.આથી ખાસ કરીને કોંગોના લક્ષણો અંગે જાણકારી ફેલાય એ માટે સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા એક નાનકડી વીડિયો જાહેરાત પણ રજૂ કરાઈ છે. આ વીડિયો કલીપ ટેલિવિઝન ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડવાની શરૂઆત કરાઈ છે. જેથી લોકો કોંગોથી જાગૃત બની શકે.

પાંચ સેમ્પલ પુનાની વાયરોલોજી લેબોરેટરીમાં મોકલાયા

આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યભરમાં અત્યાર સુંધીમાં કોંગોના કુલ ૬૧ શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી નવ કેસ પોઝીટીવ હતા અને તેમાંથી ૪ વ્યક્તિ ના મોત થયાં છે. હાલ ૪ વ્યક્તિ સારવાર હેઠળ છે જેમાંથી એક એસ વી પી હોસ્પિટલ અમદાવાદ, એક સર ટી જનરલ હોસ્પિટલ ભાવનગર અને એક દર્દી જી જી હોસ્પિટલ જામનગર માં સારવાર હેઠળ છે

જ્યારે બનાસકાંઠાના બે ,જામનગર અમદાવાદ અને ગાંધીનગર ના એક-એક એમ કુલ પાંચ સેમ્પલ પુનાની વાયરોલોજી લેબોરેટરીમાં મોકલ્યા છે જેના રિપોર્ટ હજુ સુંધી આવ્યા નથી. સિવિલ હોસ્પિટલમાં દાખલ પાંચ દર્દીના રિપોર્ટ હજુ આજેપણ પુના આવ્યા નથી એમ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો એમ એમ પ્રભાકરે જણાવ્યું છે.