રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ પાંચ ગણી વાવણી થઈ

ગત વર્ષે આ સમયગાળામાં રાજ્યમાં માત્ર 3.08 લાખ હેક્ટર જ વાવેતર થયું હતું. જેની સ્થિતિમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં 14.99 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર સંપન્ન થઇ ગયું છે. ગત અઠવાડિયા સુધીમાં રાજ્યમાં માત્ર 2.44 લાખ હેક્ટર જ વાવેતર હતું. પરંતુ, રાજ્યમાં  વાવણીલાયક વરસાદના કારણે છેલ્લા અઠવાડિયામાં જ 12.55 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે.

રાજ્યના કુલ વાવેતર 14.99 લાખ હેક્ટરમાંથી 13 લાખ હેક્ટર વાવેતર એકલા સૌરાષ્ટ્રમાં જ થયું છે! જેમાંથી 10 લાખ હેક્ટર વાવેતર તો છેલ્લા અઠવાડિયા દરમિયાન જ થયું છે. વાયુ વાવાઝોડું ગુજરાતના ખેડૂતો માટે આર્શિવાદરૂપ પુરવાર થયું હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. વાયુ વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પડી ગયેલા સાત-આઠ ઇંચ વરસાદના કારણે ખેડૂતોને વાવણીલાયક પાણી મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની ભારે અસર હતી. જેથી ત્યાં ભારે વરસાદ પડયો હતો. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ 13 લાખ હેક્ટરમાં વાવેતર કરી નાંખ્યું છે.

નોંધપાત્ર છે કે ગત અઠવાડિયા સુધીમાં સૌરાષ્ટ્રમાં માત્ર 1.20 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું હતું. જે હાલમાં વધીને 13 લાખ હેક્ટરે પહોંચી ગયું છે. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું મહત્તમ વાવેતર જોવા મળી રહ્યું છે.