અમદાવાદ, તા.13
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્થાને નેશનલ મેડિકલ કમિશન લાગુ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ કમિશનમાં કરાયેલી જોગવાઈ પ્રમાણે દરેક રાજ્યમાં સ્વતંત્ર મેડિકલ યુનિવર્સિટી હોવી ફરજિયાત છે. ગુજરાતમાં હજુ સુધી આવી કોઈ મેડિકલ યુનિવર્સિટી હયાત નથી, જેના લીધે તાજેતરમાં નીતિઆયોગ દ્વારા રાજ્ય સરકારને જલદીમાં જલદી મેડિકલ યુનિવર્સિટી શરૂ કરવા તાકીદ કરી છે. આ સ્થિતિમાં આગામી એક વર્ષમાં રાજ્યમાં નવી મેડિકલ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવે તેવી શક્યતા છે.
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને લાગુ કરાયેલા નેશનલ મેડિકલ કમિશનમાં કેટલીક વિશિષ્ટ અને અલગ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. દેશનાં દરેક રાજ્યમાં અલગ મેડિકલ યુનિવર્સિટી અસ્તિત્વમાં હોવી જોઈએ અને આ યુનિવર્સિટીના કુલપતિ હોદ્દાની રૂએ એનએમસીના સભ્ય રહેશે તેવું નક્કી કરાયું છે. દરેક રાજ્ય કે જેમાં સ્વતંત્ર મેડિકલ યુનિવર્સિટી છે તેના કુલપતિનાં નામ એનએમસીને મોકલી આપવામાં આવ્યાં છે. ગુજરાતમાં અલગ મેડિકલ યુનિવર્સિટી ન હોવાના લીધે હાલ પૂરતું વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડ્યાનું નામ ગુજરાતના એનએમસીના સભ્ય તરીકે મોકલી આપવામાં આવ્યું છે.
મેડિકલ સૂત્રો કહે છે કે, રાજ્ય સરકારે આ નામ મોકલ્યાના ગણતરીના દિવસોમાં નીતિઆયોગ દ્વારા રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને એક પત્ર મોકલીને મેડિકલ યુનિવર્સિટીની રચના કરવા તાકીદ કરવામાં આવી હતી. આમ ફરીવાર નીતિઆયોગે રાજ્યમાં મેડિકલ યુનિવર્સિટી નથી તે વાતને ગંભીરતાથી લેતાં હવે રાજ્ય સરકારે પણ આગામી દિવસોમાં મેડિકલ યુનિવર્સિટીની રચના કરવાની તૈયારી શરૂ કરી છે. મેડિકલના તજજ્ઞો કહે છે કે, હાલમાં રાજ્યમાં માત્ર મેડિકલની 28 અને ડેન્ટલની 15થી વધારે કોલેજો છે. જો મેડિકલ યુનિવર્સિટીની રચના થાય તો ખાલી મેડિકલ નહીં પણ ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપથી, ફિઝિયોથેરપી સહિતની તમામ કોલેજોને પણ નવી મેડિકલ યુનિવર્સિટીમાં સ્થાપિત કરી દેવામાં આવે તેમ છે. આમ થાય તો મેડિકલ યુનિવર્સિટીમાં અંદાજે 400થી વધારે કોલેજો જોડાય તેવી શક્યતા છે. આ તમામ કોલેજોની મેડિકલ અને પેરામેડિકલ બેઠકોની ગણતરી કરવામાં આવે તો અંદાજે 35 હજાર બેઠકો થાય તેમ છે.
આ તમામ કોલેજો હાલમાં જુદીજુદી યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે તેને ડી એફિલેશન કરીને અલગ મેડિકલ યુનિવર્સિટીમાં જોડી દેવામાં આવશે. મેડિકલ શિક્ષણના તજજ્ઞો કહે છે નીતિઆયોગની તાકીદને રાજ્ય સરકારે ધ્યાનમાં લીધી છે. હાલમાં નવી મેડિકલ યુનિવર્સિટી તૈયાર કરવા માટેની તાજવીજ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં વિધાનસભામાં આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરીને રાજ્યની જુદીજુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી મેડિકલ-પેરામેડિકલ કોલેજને અલગ કરીને નવી મેડિકલ યુનિવર્સિટીમાં જોડી દેવામાં આવશે. આ તમામ પ્રક્રિયા એક જ વર્ષમાં પૂરી કરાશે તેવું પણ મેડિકલ શિક્ષણના નિષ્ણાતો કહે છે.