રાજ્યસભાની અમિત શાહના સ્થાને થનારી ચૂંટણી અંગે સુપ્રિમ કોર્ટમાં શું થયું ?

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી મામલે ચૂંટણી પંચે અલગ અલગ ચૂંટણી યોજવાનાં કરેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારતી ગુજરાત કોંગ્રેસની અરજીની બુધવારે 19 જૂન 2019ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણીના અલગ અલગ મતદાન મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણીપંચને નોટિસ – કોંગ્રેસની અરજી પર મોકલી નોટિસ – મંગળવારે વધુ સુનાવણી થશે.
શનિવારે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણી મામલે કરાયેલા નિર્ણયને ગુજરાત કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં રાજ્યમાં બે રાજ્યસભાની બેઠકો પર અલગ અલગ પેટા ચૂંટણી કરાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે ગેરબંધારણીય છે, એવો દાવો કરાયો હતો. જેના પગલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે આ અરજી પર સુનાવણી હાથ ધરી હતી.
રાજ્યસભાની બે બેઠકો ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીતી જતાં ખાલી પડી છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષનાં નેતા અને અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં ચૂંટણી પંચને બન્ને બેઠકો પર એકસાથે જ ચૂંટણી યોજવાનો નિર્દેશ આપવા માંગણી કરી હતી.
સોમવારે સાંજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ દ્વારા ગુજરાત કોંગ્રેસે સુપ્રીમમાં ચૂંટણી પંચનાં નિર્ણયને પડકાર્યો હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં બંધારણ અને લોકશાહીને બચાવવા માટે ગુજરાત કોંગ્રેસ કટિબદ્ધ છે અને તેનાં માટે અમે લડીશું. સાથે તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટ ભારતનાં બંધારણ અને લોકશાહી માટે અમને પૂરો ભરોષો છે.
ચૂંટણી પંચની અધિસૂચના અનુસાર ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડનારા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લોકસભાની ચૂંટણી જીતવાનું પ્રમાણ પત્ર 23મી મેનાં રોજ મળી ગયું હતું. જ્યારે અમેઠીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતનાર સ્મૃતિ ઈરાનીને પ્રમાણ પત્ર 24મી મેનાં રોજ મળ્યું હતું. બન્નેની ચૂંટણીમાં એક દિવસનું અંતર થયું હતું. જેનાં આધારે ચૂંટણી પંચે રાજ્યની બન્ને બેઠકોને અલગ અલગ ગણી છે. પરંતુ રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી 5મી જુલાઈનાં રોજ થશે.
વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ પોતાની અરજીમાં કહ્યું છે કે, ચૂંટણી પંચનાં નિર્ણયને રદ્દ કરવા અને તે ગેરબંધારણીય, ગેરકાયદેસર અને શૂન્ય જાહેર કરવાની માંગણી કરી છે. તેમનાં કહેવા પ્રમાણે જે નિર્ણય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે તે બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. તેમણે અરજીમાં એવી પણ માંગણી કરી છે કે, કોર્ટ પંચને ગુજરાત સહિત તમામ રાજ્યોની ખાલી બેઠકો ભરવા માટે પેટા ચૂંટણી અને ચૂંટણી એકસાથે યોજવા નિર્દેશ આપે.
અત્રે આપને જણાવી દઈએ કે, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બનેલી નવી સરકારમાં અમિત શાહને કેન્દ્રીય ગૃહમંત્રી તેમ જ સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવાયા છે.