રાજ્ય સરકારનાં સર્વ શિક્ષણ અભિયાનનાં ઉડતાં લીરાં

એક બાજુ રાજ્ય સરકાર મોટા ઉપાડે શાળા પ્રવેશોત્સવની કામગીરી કરીને સર્વ શિક્ષણ અભિયાનને વેગ આપવાનાં બણગાં ફૂંકે છે. તો બીજી બાજુ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ઓરડાંઓની ઘટ મામલે કોઈ પગલાં નથી ભરવામાં આવતાં ત્યારે સવાલ એ ઉઠે છે કે શું આ રીતે ભણશે ગુજરાત?
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનું 1800ની વસ્તી ધરાવતા પાણખાણ ગામે બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે એ માટે શાળા તો છે, પણ શિક્ષણ આપવા માટે શિક્ષકોની ઘટ છે. એ પણ એક કે બે નહીં પણ પાંચ. શાળામાં ધોરણ 1 થી 8 માં 172 બાળકો અભ્યાસ કરે છે અને તેની સામે માત્ર 3 શિક્ષકો જ આ શાળાનાં તમામ બાળકોને અભ્યાસ કરાવે છે. આટલું ઓછું હોય એમ શાળામાં ઓરડાઓની પણ ઘટ છે અને તે પણ પાંચ ઓરડાં ઓછા હોવાનું જાણવા મળ્યું છે. હાલ 7 જેટલા ઓરડાઓ છે જેમાં જર્જરિત 2 ઓરડામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યાં હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
રાજય સરકાર શિક્ષણને ખૂબજ મહત્વ આપી રહ્યું છે, એવા બેનરો અને જાહેરાત તો ઘણી બધી જોઈ છે અને રાજ્ય સરકાર પણ આ પાછળ ધૂમ ખર્ચો કરે છે. વળી ઓછું હોય એમ પ્રવેશોત્સવ, શિક્ષણ મેળો, વિદ્યાર્થીસહાય, શિક્ષકોનું સન્માન સહિતના કાર્યક્રમો પણ ઠેર ઠેર યોજવામાં આવ્યાં છે. પરંતુ અહીં તો જમીની હકીકત જ અલગ છે.
ગ્રામજનો અને શાળાના હાલના શિક્ષકો દ્વારા આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી પણ સરકારી તંત્રને આ બાબતની કોઈ જ દરકાર નથી. શાળામાં વિદ્યાર્થીઓનું ભાવિ 3 શિક્ષકોના હાથમાં છે. શિક્ષકો 1 થઈ 8 ધોરણમાં બાળકોને એક કલાસમાં બે થી વધુ ધોરણને બેસાડીને અભ્યાસ કરાવે છે. શાળામાં હાલ 7 ઓરડાઓ જ છે, ઓરડાઓની ઘટ હોવાના લીધે શાળાનાં 3  જર્જરિત ઓરડાઓમાં પણ વિદ્યાર્થીઓને બેસાડવાની ફરજ પડે છે. આમ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરે છે. છેલ્લા એક વર્ષથી શાળામાં આ શિક્ષકોની ઘટનો સામનો કરવો પડી રહ્યો છે.
એક સાથે 2 થી ધોરણના વિદ્યાર્થીઓને એક કલાસમાં એક સાથે ભણાવવામાં શિક્ષકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર વિદ્યાર્થીઓના અભ્યાસ પૂર્ણ કરી શકાતો નથી. અભ્યાસ અધુરો રહેતા વિદ્યાર્થીઓને અધૂરું જ્ઞાન મળે છે. તેમજ શિક્ષકોને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પૂરા કરાવવાની પણ જવાબદારી છે. ગ્રામ પંચાયત દ્વારા 3 મહિના સુધી પંચાયતના ખર્ચે 2 શિક્ષિકાની ભરતી કરવામાં આવેલી, પણ ગ્રામ પંચાયતને એ પરવડે તેમ ના હોઈ તેથી એ બંધ કરવું પડ્યું. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા અને શાળાના શિક્ષકો દ્વારા તંત્રને લેખિત જાણ અનેક વાર કરવામાં આવી છતાં આ બહેરી સરકારના કાને કોઈ વાત અથડાતી નથી.
તાલુકા શિક્ષણ અધિકારી પણ દોષનો ટોપલો સરકાર ઉપર ઢોળી રહ્યાં છે. સરકાર દ્વારા નવા શિક્ષકોની ભરતી થાય ત્યારે આ સમસ્યાનું નિવારણ આવી શકે. એક વર્ષ પહેલાં અહીં શિક્ષકોની સંખ્યા 8ની જ હતી. તો  શિક્ષકોની બદલી પહેલાં નવા શિક્ષકોની ભરતી  શા માટે કરવામાં ના આવી..? અને શાળાના ઓરડાઓ અંગેની જાણ હોવા છતાં શા માટે અત્યાર સુધી નવા ઓરડાઓ બનાવવામાં ન આવ્યા? શુ તંત્ર આ જર્જરિત ઓરડાંઓથી કોઈ અકસ્માત સર્જાય તેની રાહ જૂએ છે? વિદ્યાર્થીઓના આ અધૂરા શિક્ષણ માટે કોણ જવાબદાર? દેશનું આ ભણતર ક્યાં લઈને જશે દેશને? કેમ આગળ આવશે ગરીબ લોકોના બાળકો? આવાં અનેક સવાલ ઊભાં થયાં છે ત્યારે હવે જોવું એ રહ્યું કે, રાજ્ય સરકાર પોતાનાં બણગાં ફૂંકવાનું બંધ કરીને આ શાળાની સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે કે નહિ?