રાજ્ય સરકારના નવા ગતકડાંની શરૂઆત, શિક્ષકો સામે દંડનાત્મક કાર્યવાહી

અમદાવાદ, તા. 21

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરતાં શિક્ષકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ત્રણેય પરીક્ષામાં થઇને અંદાજે છ હજારથી વધારે શિક્ષકોએ નાની-મોટી ભૂલો કરી હોવાની વિગતો બહાર આવી છે. આ શિક્ષકોની આજથી ગાંધીનગર ખાતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણીમાં શિક્ષણમંત્રી પોતે ઉપસ્થિત રહીને શિક્ષકોને આ પ્રકારની ભૂલો ન કરીને કામ પર ધ્યાન આપવા તાકીદ કરવામાં આવી હતી.

માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૧૯માં લેવાયેલી ધો. ૧૦ની પરીક્ષામાં અદાજે ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અંદાજે ૨૫૦૦ અને ધો. ૧૨ સાયન્સમાં અંદાજે ૫૦૦ જેટલા શિક્ષકોએ ઉત્તરવહી ચકાસણી દરમિયાન ૨ માર્કસથી લઈને ૨૫ માર્કસ સુધીની ભૂલ કરી હોવાની વિગતો બહાર આવી હતી. બોર્ડના ધ્યાનમાં આ ભૂલ આવતાં તાકીદે સુધારી લેવામાં આવી હતી. પરંતુ આ પ્રકારની ભુલ કરનારા શિક્ષકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતુ. જેમાં ધો. ૧૦ અને ધો. 12 સામાન્ય પ્રવાહની ઉત્તરવહીમાં ભૂલ કરનારા શિક્ષકોને રૂ. ૧૦૦ અને ધો. ૧૨ સાયન્સની ઉત્તરવહીમાં ભૂલ કરનારા શિક્ષકને રૂ. ૨૦૦ દંડ કરવાના ધારાધોરણો નક્કી કરાયા હતા. બોર્ડ દ્વારા તા. ૨૭મીથી ૧૦ દિવસ સુધી અંદાજે ૬ હજાર શિક્ષકોને તબક્કાવાર બોર્ડ સમક્ષ બોલાવીને રૂબરૂ સૂનાવણી કરવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે આજે ૧૧૦ જેટલા શિક્ષકોને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા. આજે બોર્ડમાં ખુદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. આજની કાર્યવાહીમાં માત્ર ૧૦ માર્કસ કરતાં વધારે ભૂલો કરનારા શિક્ષકોને જ બોલાવવામાં આવ્યા હતા.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કહે છે શિક્ષણમંત્રી દ્વારા શિક્ષકોને પોતાના કામમાં ધ્યાન આપવા અને વિદ્યાર્થીઓની કારર્કિદી પ્રત્યે ચેડાં ન થાય તે રીતે કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે શિક્ષકની નાની ભૂલના કારણે વિદ્યાર્થીઓને મળતાં ગુણમાં મોટા તફાવત આવી જતો હોય છે. કોઈ વિદ્યાર્થીઓને અન્યાય થાય તો ભવિષ્યમાં મોટી કિંમત ચુકવવી પડે છે. પેપર ચકાસણીના કાર્યમાં કોઇપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહી તેવી તાકીદ પણ કરવામાં આવી હતી.