રાજ્ય સરકારની વાઈબ્રન્ટ સમિટ ફ્લોપ શો

ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર દ્વારા 9મી વાઇબ્રન્ટ સમિટ આયોજિત કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ખરા અર્થમાં સફળ નહીં થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે .
તો બીજી તરફ વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા મથામણ કરતા રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ અને પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર , ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો ( index B) ના વહીવટી સંચાલક રાજકુમાર બેનીવાલ , ઉદ્યોગ કમિશનર મમતા વર્મા આ સમિટના મુખ્ય આયોજકો તરીકે હતા. આ ઉપરાંત રાજ્ય સરકારના તમામ વિભાગોના સચિવ કક્ષાના અધિકારીઓ સમિટને સફળ બનાવવા છેલ્લા છ મહિનાથી મથામણ કરતા હતા. પરંતુ આ વખતની સમિટ ગાજ્યા મેઘ વરસ્યા નહીં બનીને ઉભી રહી
તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન બાદ બહારથી આવેલા વિદેશી મહેમાનોનો ઝાકમજોળ ઉડીને આંખે વળગે તેવો હતો ..પરંતુ જેવા મોદી દિલ્હી રવાના થયા ત્યાર પછીના બાકીના દિવસોમાં સમિટના તમામ કાર્યક્રમો ફ્લોપ શો બની રહ્યા. એટલું જ નહીં સમિટમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનો અને અલગ-અલગ રાજ્યો થી આવેલા રોકાણકારો સમિટના કાર્યક્રમોમાં ભાગ લેવાના બદલે સેલ્ફીઓ લેવામાં અને ટહેલવા માં જ વ્યસ્ત જણાતા હતા. જો કે રાજ્ય સરકારે સમિટને સફળ બનાવવા માટે માયાજાળવાળી આંકડાકીય માહિતી પ્રચાર પ્રસાર માધ્યમોમાં વહેતી કરી હતી.
પરંતુ જોવા જઈએ તો સમગ્ર સમિટ નિષ્ફળ બની ગઈ હતી. એટલું જ નહીં બહારથી આવતા મુલાકાતીઓ પણ આ વખતે ડોકાયા જ નથી. રાજ્ય સરકારે તૈયાર કરેલા પાર્કિંગ ખાલીખમ રહ્યા હતા. જોકે છેલ્લા બે દિવસ જુના હેલીપેડ ખાતે આયોજીત “ટ્રેડ શો” માં થોડી ઘણી સંખ્યા જોવા મળી હતી .
પરંતુ આ સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ટાઇમપાસ માટે મુલાકાત લેતા હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સમિટમાં સરકારના જણાવ્યા અનુસાર 135 દેશોએ ભાગ લીધો હતો .જેમાં 42 હજારથી વધુ ડેલિગેટ્સ આવ્યા હતા 15 જેટલા દેશો પાર્ટનર તરીકે જોડાયા હતા. જ્યારે ટ્રેડ શોમાં 1200 થી વધુ વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા અને 15 હજાર કરોડના એમઓયુ માત્ર ટ્રેડ શોમાં જ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ સત્ય હકીકત એ છે કે આ વખતે કેન્દ્રીય પ્રધાનમંડળમાં થી મોટાભાગના મંત્રીઓ ગેરહાજર રહ્યા હતા તો બીજી તરફ ફિલ્મ કલાકારો અને ખેલ જગતનાં વિવિધ ક્ષેત્રના ખેલાડીઓનું સમિટમાં આકર્ષણ રહેશે તેવા કરેલા દાવા પણ પોકળ સાબિત થયા હતા. કારણકે માત્ર ને માત્ર એકટર સુરેશ ઓબેરોય ના પુત્ર વિવેક ઓબેરોય સિવાય એક પણ ફિલ્મી કલાકાર કે ખેલ જગતના ખેલાડી મહાત્મા મંદિરમાં આવ્યા જ નથી .પરિણામે આ તમામ બાબતોથી વાઇબ્રન્ટ સમિટ નિરર્થક બની ગઈ.
જોકે કેબિનેટ બેઠકમાં પણ વાઇબ્રન્ટ ની સફળતા અને વિફળતાના લેખાજોખા બંધ બારણે કરવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ નિષ્ફળતા પાછળ અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું મનાઈ રહ્યું છે. રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘ અને તેમના તાબાના ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ મંત્રી મંડળ વચ્ચે સ્પષ્ટ સંકલનનો અભાવ હોવાનું સચિવાલયમાં ચર્ચાઈ રહ્યું છે.