અમદાવાદ, તા.27
સેટેલાઈટના 100 ફૂટ રોડ પર રહેતા બિલ્ડરનું તેની જ કારમાં અપહરણ કરી લઈ જઈ રૂપિયા 50 લાખની ખંડણી માંગનારાત્રણ યુવકોની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. રાતોરાત લખપતિ બનવા માટે યુવકોએ જોધપુર સ્તવન અવીશામાં રહેતા 29વર્ષીય બિલ્ડર પ્રતિક ડાહ્યાભાઈ ચોવટીયા-પટેલના અપહરણનો પ્લાન બનાવ્યો હતો અને તેમને ઘર પાસેથી જ તેમની જ કારમાં ઉઠાવી ગયા હતા.પ્રતિક ચોવટીયાના પિતરાઈ મયુર ચતુરભાઈ પટેલે (રહે. મિત્ર બિલ્ડીંગ, સરથાણા, સુરત) આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે રાતે ત્રણ અજાણ્યા શખ્સો સામે અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. મયુર પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલેસોમવારે સવારે સાડા દસેક વાગે પ્રતિકભાઈ ગોતા ખાતે આવેલી કન્સ્ટ્રકશન સાઈટ પર જવા માટે નિકળ્યા હતા. પ્રતિકભાઈનો ફોન સતત નો-રિપ્લાય આવતો હોવાથી તેમના પત્ની રીનાબહેને મયુરભાઈને ફોન કરી જાણ કરી હતી. જેથી મયુરભાઈએ પ્રતિકભાઈના મિત્ર વ્રજલાલ કમાણી અને ખોડાભાઈ નાગજીભાઈ રામાણીને વાત કરતા ત્રણેય જણાએ ગોતા સાઈટ પર તેમજ અન્ય સ્થળોએ શોધખોળ કરી હતી. પ્રતિક ચોવટીયાનો પતો નહીં લાગતા આખરે ત્રણેય જણા આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા ગયા હતા. દરમિયાનમાં ખોડાભાઈ રામાણીના મોબાઈલ ફોન પર પ્રતિક ચોવટીયાનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, ત્રણ જણા ફલેટ પાસેથી કારમાં ઉપાડી ગયા છે અને છોડવાના 50 લાખ રૂપિયા માંગી રહ્યા છે. પ્રતિક ચોવટીયાનું અપહરણ થયું હોવાની હકિકત સામે આવતા આનંદનગર પોલીસે ફરિયાદ નોંધી પ્રતિકભાઈના મોબાઈલ ફોન નંબરના આધારે તેમનું લોકેશન ટ્રેસ કરી ત્રણેય અપહરણકારોને ઝડપી લઈ બિલ્ડરને હેમખેમ છોડાવી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સાહીલ ઉર્ફે કુણાલ જયેશભાઈ દેસાઈ (ઉ.18 રહે. શુભ દર્શન એપાર્ટમેન્ટ, પ્રેરણાતિર્થ દેરાસર પાસે, જોધપુર), સાગર ઈશ્વરભાઈ રબારી (ઉ.25 મોહનકૃપા સોસાયટી, વસ્ત્રાપુર રેલવે સ્ટેશન સામે, વેજલપુર) અને પૌમિલ પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉ.19 રહે. સાથ સંગાથ સોસાયટી, એચ.પી. પેટ્રોલ પંપ પાસે, શીવરંજની ચાર રસ્તા, સેટેલાઈટ )નો સમાવેશ થાય છે.