રાધનપુરના મુસ્લિમ સમાજે બિન ઇસ્લામિક ફિલ્મને રોકવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

રાધનપુર, તા.૧૨

રાધનપુરના મુસ્લિમ સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં જણાવ્યા મુજબ આજથી થોડાક સમય પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી બિન ઇસ્લામિક ફિલ્મ ‘આયેસા ધ મધર ઓફ બેલીયેવર’નું ટ્રેલર પ્રસારિત કરવામાં આવ્યું હતું, આ ફિલ્મ ઉત્તરપ્રદેશના રહેવાસી વસીમ રઝવી દ્વારા બનાવવામાં આવી છે. જેમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદ(સ.અ.વ.)ના ધર્મપત્ની આયશા સીદીકા(રદિ.)ના જીવનને અનુલક્ષીને બિનઈસ્લામિક વાહિયાત અને ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવામાં આવી છે. જેથી સમગ્ર ભારતીય મુસ્લિમ સમાજ આ ફિલ્મ બનાવનારનો સખત વિરોધ સાથે વખોડી કાઢીયે છીએ તેમ જણાવીને વસીમ રીઝવી દ્વારા બનાવવામાં આવેલ આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવે નહિ, અને આ ફિલ્મ ઉપર કાયમી પ્રતિબંધ લગાવવામાં આવે અને તેની તમામ પ્રીન્ટોનો સરકારી ધોરણે નાશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વસીમ રીઝવી જેવા બેજવાબદાર ઈસમોની આવી પ્રવૃત્તિઓ દેશના વિકાસ તેમજ ભાઈચારામાં અવરોધરૂપ સાબિત થાય તેમ છે. આ દુષ્કૃત્યના લીધે મુસ્લિમ સમાજમાં ઉશ્કેરાટ અને ઉચાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેથી આવા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જો આ ફિલ્મ રિલીઝ થશે તો રાધનપુર મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ સ્વરૂપે જંગી મૌન રેલી કાઢવામાં આવશે, અને ગાંધી ચિંધ્યા માર્ગે આ ફિલ્મનો સખત વિરોધ કરવા અને તેના ઉપર પ્રતિબંધો મુકવા સારૂ વિવિધ કાર્યક્રમો આપવા મજબુર થશે. મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને ધ્યાનમાં લઈને દેશની એકતા, અખંડિતતા,ભાઈચારા, બંધુતા અને દેશહિતને ધ્યાનમાં રાખીને આ માંગણી સરકાર સુધી પહોંચાડવા જણાવ્યું છે.