અમદાવાદ, તા. ૨૩
ગુજરાત વિધાનસભાની છ બેઠકોની યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત વેગીલી કરી દેવામાં આવી છે. આ છ બેઠકો પૈકી કોંગ્રેસમાંથી સૌથી વધારે દાવેદારી રાધનપુર બેઠક માટે કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ૧૫ ઉમેદવારોએ ટિકીટ માંગી છે. તો બીજી બાજુ ભાજપ માટે અમરાઈવાડીની બેઠક માથાનો દુઃખાવો સમાન બની છે. આ બેઠક માટે અંદાજે ૧૨થી વધારે ઉમેદવારોએ દાવેદારી કરી છે. છ બેઠકો માટેની પેટા ચૂંટણી મામલે કોંગ્રેસ પક્ષની સ્ક્રિનિંગ કમિટીની બેઠક 26મી સપ્ટેમ્બરે મળશે, જ્યારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 24મી સપ્ટેમ્બરે મળવાની છે તેમાં તમામ ઉમેદવારોની પેનલ બનાવીને કેન્દ્રીય મોવડીમંડળને નામ મોકલી આપવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલા સાત બેઠક પૈકી છ બેઠકોની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ પોતા પોતાની તૈયારીઓ કરવા લાગ્યા છે. જો ભાજપની વાત કરવામાં આવે તો તમામ છ બેઠકો પર ઉમેદવારો માટે ૨૪ સપ્ટેમ્બરે પાર્લામેન્ટરી બોર્ડમાં મનોમંથન કરવામાં આવશે. તો સામે પક્ષે કોંગ્રેસ હજુ પણ પોતાના આંતરિક રાજકારણની ખેંચતાણમાં પડ્યું છે.
કાંગ્રેસ પક્ષમાં પ્રદેશ નેતાગીરી ઉમેદવારોની પસંદગી સમયે જૂથબંધીમાં રાચતા હોવાના કારણે છેલ્લા કેટલાંક સમય દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ઊંધા માથે પટકાવવાનો વારો આવ્યો છે અને આ જૂથબંધીનો ફાયદો ઉઠાવીને ભાજપ હંમેશા મેદાન મારી જતું જોવા મળ્યું છે. આ વખતની છ બેઠકોની પેટાચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી હાલમાં કોંગ્રેસમાં ચાલી રહી છે. જેમાં સૌથી વધુ ઉમેદવારો રાધનપુર બેઠકમાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં સામેલ થયેલા અલ્પેશ ઠાકોરે પોતાની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે તો બીજી તરફ કોંગ્રેસ હજુ યોગ્ય ઉમેદવાર શોધવામાં પડી છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના 15 મૂરતિયાઓએ અલ્પેશ ઠાકોર સામે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે કોંગ્રેસ પણ આ બેઠકને પ્રતિષ્ઠાનો જંગ બનાવીને લડવાના મૂડમાં છે ત્યારે કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું રહ્યું.
જ્યારે ભાજપમાં સૌથી વધુ અમરાઈવાડી બેઠક પર 12થી વધુ ટિકીટવાંચ્છુઓએ ઉમેદવારી માટે દાવેદારી કરી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત કેટલાંક નવા સ્થાનિક ઉમેદવારોએ પણ દાવો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપમાં ઉમેદવારના નામની જાહેરાત થતાની સાથે જ તમામ પ્રકારના આંતરિક રાજકારણને ભૂલી કાર્યકરએ ચૂંટણી જીતવા કામે લાગી જાય છે. પરંતુ કોંગ્રેસમાં આ સ્થિતિ એ દાઝ્યા પર ડામ બરાબર હોય છે. ત્યારે આ વખતની પેટાચૂંટણીમાં કોંગ્રેસની વૈતરણી પાર પડશે કે કેમ એક મોટો યક્ષ પ્રશ્ન હાલમાં તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને સતાવી રહ્યો છે. તો બીજી બાજુ હંમેશની માફક પેટાચૂંટણીમાં ભાજપ મેદાન મારશે કે તેમની જીતની બાજીને હારમાં પલટાઈ જશે તે તો સમય જ કહેશે.