રાધનપુર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી લડી રહેલો ભાજપનો ઉમેદવાર અલ્પેશ ઠાકોર

પાટણ ,તા:૨૧ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, વર્ષ ૨૦૧૭માં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પૂર હોનારત સર્જાઈ હતી, આ વખતે અલ્પેશ ઠાકોરે સેનાના કાર્યકરો ને ઘરે ઘરે મોકલી નુકસાની સર્વે કરાવ્યું હતું.

આ સર્વે આધારે સરકારને ઘણી-બધી સહાય આપવાની ફરજ પડે તેમ હતી, જોકે અલ્પેશે પોતાનું ઘર ભરવા માટે સરકાર સાથે સોદાબાજી કરી ઠાકોર સહિતના વિવિધ સમાજ સાથે ગદ્દારી કરી હતી.અલ્પેશે તો પોતે પૂરગ્રસ્તો માટે બિસ્કિટના એક પેકેટની પણ સહાય કરી નહોતી.

રાધનપુર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી લડી રહેલો ભાજપનો ઉમેદવાર અલ્પેશ ઠાકોર સમાજના નામે રૂપિયા ઘરમાં નાંખીને વેચાઈ ગયો છે, એને ગદ્દાર કહેવાય તેવા જાહેરમાં નિવેદનો થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ અલ્પેશ ઠાકોરને હરાવવા માટે ખુદ ઠાકોર સમાજના આગેવાનો જ કામે લાગ્યા છે.ઠાકોર સેનાના આગેવાનો કહે છે કે, અલ્પેશ ઠાકોર સમાજ માટે સહેજેય ભરોસાપાત્ર વ્યક્તિ નથી, માત્ર પોતાનું ઘર ભરવા માટે ઠાકોર સમાજ જ નહિ બલ્કે તમામ સમાજો સાથે વિશ્વાસઘાત કર્યો છે. આંદોલન કર્યું ત્યારે રાજકારણમાં નહિ જોડાવું તેવું દીકરાના સોગંદ ખાઈને કહ્યું ને પછી કોંગ્રેસમાં જોડાઈ ગયો, કોંગ્રેસમાં હતો ત્યારે ભાજપના નેતાઓ માટે છેલ્લી કક્ષા સુધીની નિવેદનબાજી કરી હતી અને હવે ભાજપમાં જોડાઈ બીજી બધી વાતો કરે છે, બે મોઢાની વાતો કરતાં આ નેતા પર વિશ્વાસ ન કરાય.

આ આગેવાનો આક્ષેપ કરે છે કે, અલ્પેશ પૂરગ્રસ્તો માટે સંપૂર્ણ વળતર અપાવવાનું હતું એનું શું થયું? નુકસાની સર્વેના ફોર્મ સરકાર સમક્ષ રજૂ કરાયા હતા, પરંતુ અલ્પેશે પોતાની અસલ આવડત મુજબ સરકાર સાથે સોદાબાજી કરી લીધી હતી, જેના કારણે ઠાકોર સેનાના કાર્યકરોએ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું.

દારૂબંધી મુદ્દે આંદોલન ચલાવ્યું એ પછી કેમ અચાનક જનતા રેડ પાડવાનું બંધ કર્યું? એક આક્ષેપ એવો પણ છે કે, આંદોલન ચલાવીને ઠાકોર સમાજને ગુમરાહ કર્યો અને પોતે રાતોરાત માલામાલ થઈ ગયો છે.

અલ્પેશે ચૂંટણી ફંડ માટે ઉઘરાણા કર્યાનો આક્ષેપ

રાધનપુર બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોરે વિવિધ જગ્યાએથી ચૂંટણી ફંડ માટે ઉઘરાણા શરૂ કર્યા હોવાનું પણ સમાજના આગેવાનોમાં ચર્ચાઈ રહ્યું છે. સવાલ એ પણ ઊઠી રહ્યો છે કે, ભાજપે ચૂંટણી ફંડ આપ્યું એ ઓછું પડી રહ્યું છે?