રાયની ખેતીમાં ઉત્પાદન

17 DECEMBER 2013દેશમાં તેલીબિયાં પાક ગણાતા રાઈનું રવી સીઝનમાં બમ્પર વાવેતર થતાં ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા છે. કૃષિ વિભાગે રાઇનું દેશમાં ૭૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ ઉત્પાદન ૭૯થી ૮૦ લાખ ટને પહોંચવાની સંભાવના છે. ૨૦૧૦-૧૧માં રાઈનું ૬૯ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન રેકોર્ડબ્રેક ૮૨ લાખ ટન થયું હતું. ચાલુ વર્ષે પણ વાવેતરનો આંક ૨૦૧૧-૧૨માં થયેલા વાવેતર સુધી પહોંચવાની ઉજળી શક્યતાથી હાલમાં ઉત્પાદનનો આંક ઊંચો અંકાઈ રહ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દેશમાં રાઈના પાકમાં આવતી મોલોમશીના ઉપદ્રવને ખાળવામાં ખેડૂતો સફળ રહ્યા તો રાઈનું વાવેતર ઉત્પાદનનો નવો રેકોર્ડ પણ બનાવી શકે છે. ગુજરાતમાં રાઇનો સરેરાશ વાવેતર વિસ્તાર ૨.૩૩ લાખ હેક્ટર હોવા છતાં ૯મી ડિસેમ્બર સુધીમાં વાવેતરનો આંક ૨.૭૬ લાખ હેક્ટરે પહોંચ્યો છે. દેશમાં રાઈનું સૌથી વધુ વાવેતર રાજસ્થાનમાં થાય છે. રાજસ્થાનમાં વાવેતરનો આંક ૩૦ લાખ હેક્ટરે પહોંચી ગયો છે. રવી સીઝનમાં મહત્ત્વના ગણાતા રાઈના પાકનું ઉત્પાદન વધ્યું તો ખેડૂતોને ફાયદો થશે, કારણ કે ચાલુ સીઝનમાં રાઇની એમએસપીમાં વધારો થવાથી ભાવ પ્રતિક્વિન્ટલ રૃપિયા ૩૦૫૦ કરાયો છે. આમ, રાઈમાં સારા ભાવ અને ઊંચું ઉત્પાદન ખેડૂતોને કમાણી કરાવશે.
દેશમાં રાઇનો રવી તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં ૭૫ ટકા અને કુલ તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં ૨૫ ટકા હિસ્સો છે. દેશના કુલ ખાદ્યતેલના ઉત્પાદનમાં પણ રાઇ ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને પશ્ચિમ બંગાળ એ રાઇના કુલ વિસ્તારનો ૯૦ ટકા હિસ્સો ધરાવે છે, જે પૈકી એકમાત્ર રાજસ્થાનનો જ હિસ્સો ૪૫.૫ ટકા છે. રાઇમાં ૨૦૦૧-૦૨થી ઉત્પાદનમાં સતત વધારો થતો જાય છે. ૨૦૦૧-૦૨માં ઉત્પાદન ૫૧ લાખ ટન થયું હતું. આ વર્ષે કેન્દ્ર સરકારના અંદાજ અનુસાર દેશમાં રાઇના પાકનું ઉત્પાદન ૭૪ લાખ ટન થશે.
હાલમાં રાઇનું વાવેતર સતત વધી રહ્યું છે. સારા વરસાદથી દેશભરમાં વાવેતરમાં વધારો નોંધાયો છે. ૨૦૧૨માં ૬૩ લાખ હેક્ટર વાવેતર સામે ચાલુ વર્ષે ૧૨ ડિસેમ્બર સુધીમાં દેશમાં ૬૬.૫૨ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. હજુ પણ વાવતેરમાં વધારો થાય તેવી શક્યતા છે. રાજ્યમાં પણ ૨.૩૩ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. આમ, દેશમાં વાવેતરમાં વધારો થઇ રહ્યો છે. તેલીબિયાં પાકોમાં રવી સીઝનમાં વાવેતર કરવામાં આવતા રાઇની નિકાસ બજારમાં ભારે માંગ હોવાથી દેશમાં રાઇનું વાવેતર અને ઉત્પાદન વધારવાના કૃષિ વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વિશ્વમાં ૬૦૦ લાખ ટન થતું રાઇનું ઉત્પાદન
રાઇનું વિશ્વમાં ઉત્પાદન ૬૦૦ લાખ ટન છે. રાઇના સૌથી મોટા ઉત્પાદક દેશ ચીન પછી ભારત ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે. ૨૦૦૯-૧૦માં વિશ્વમાં ૩૧૧ લાખ હેક્ટરમાં વાવેતર અને ઉત્પાદન ૬૦૫ લાખ ટન થયું હતું. છેલ્લાં સાત વર્ષથી વિશ્વબજારમાં રાઇની ઉત્પાદકતા વધતી જાય છે. ૨૦૦૩-૦૪માં રાઇની ઉત્પાદકતા પ્રતિહેક્ટરે ૧૫૪૦ કિલો રહેતાં ઉત્પાદન ૩૯૪ લાખ ટન થયું હતું. ૨૦૦૯-૧૦માં પ્રતિ હેક્ટરે ૧૯૫૦ કિલો રાઇનું ઉત્પાદન થતાં કુલ ઉત્પાદન ૬૦૫ લાખ ટનનું હતું. જ્યારે ૨૦૧૧-૧૨માં ૬૦૬ લાખ ટન ઉત્પાદન થયું હતું. ૨૦૧૨-૧૩માં પણ વિશ્વમાં ૩૪૧ લાખ હેક્ટરમાં રાઇનું વાવેતર થતાં ઉત્પાદન ૬૩૦ લાખ ટન થયું હતું અને પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧૮૫૦ કિલો રહી હતી. વિશ્વમાં વાવેતરમાં ભારત ૧૯ ટકા અને ઉત્પાદનમાં ૧૧ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

વર્ષ વાવેતર ઉત્પાદન
૨૦૦૬-૦૭ ૨૬૭ ૪૬૨
૨૦૦૭-૦૮ ૨૮૦ ૪૮૨
૨૦૦૮-૦૯ ૩૧૦ ૫૭૮
૨૦૦૯-૧૦ ૩૧૧ ૬૦૫
૨૦૧૦-૧૧ ૩૨૬ ૫૮૭
૨૦૧૧-૧૨ ૩૩૧ ૬૦૬
૨૦૧૨-૧૩ ૩૩૮ ૬૧૪
૨૦૧૩-૧૪ ૩૪૧ ૬૩૦
નોંધઃ વાવેતર લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે.

દેશમાં રાઇનું વાવેતર અને ઉત્પાદન
વર્ષ વાવેતર ઉત્પાદન
૨૦૦૬-૦૭ ૬૮ ૭૪
૨૦૦૭-૦૮ ૫૮ ૫૮
૨૦૦૮-૦૯ ૬૩ ૭૨
૨૦૦૯-૧૦ ૫૬ ૬૬
૨૦૧૦-૧૧ ૬૯ ૮૨
૨૦૧૧-૧૨ ૫૯ ૬૬
૨૦૧૨-૧૩ ૬૩ ૭૪
૨૦૧૩-૧૪ ૬૬.૫૩ ૮૦

૨૦૧૩-૧૪નો વાવેતરના આંક ૧૨ ડિસેમ્બર સુધીના છે. વાવેતર લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે. – કરણ રાજપુત