એકબાજુ ગુજરાતનાં ગૌરવ સમાન સિંહોનાં ટપોટપ મોત થઈ રહ્યાં છે ત્યારે બીજી બાજુ કચ્છનાં રાપર તાલુકામાં દેશનાં રાષ્ટ્રીય પક્ષી મોરને ઝેરી ચણ નાંખીને મારી નાખવાની ઘટનાનાં ઉગ્ર પડઘા પડ્યાં છે. રાપર તાલુકાના ગાગોદર ગામે રાજબાઈ માના મંદિર પાસે ઈરાદાપૂર્વક ઝેરી ચણ નાખી 39 મોર અને 85 કબૂતરની કરવામાં આવેલી હત્યાની ઘટનાના ધેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. મોરની હત્યા બનાવમાં આજે ગાગોદર સહિત ચૌદ ગામના લોકોએ સ્વયંભૂ બંધમાં જોડાયા હતા..મોરની હત્યાના વિરોધમાં આજે 14 ગામના લોકોએ આજથી રાજબાઈ માતાજીના મંદિર ખાતે પ્રતિક અનશન આંદોલન મંડાણ કર્યાં છે..
મળતી વિગત અનુસાર રાપર તાલુકાના ગાગોદર ગામ નજીક આવેલ રાજબાઈ માતાજીના મંદિર નજીક 39 જેટલા રાષ્ટ્રીય પક્ષીના મોત થયા છે. ઝેરી ચણ ખવડાવી 39 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા નિપજાવી હોવાનો ગ્રામજનો આરોપ છે. સમગ્ર મામલામાં વન વિભાગ યોગ્ય તપાસ કરવામાં આવતી નથી. આ ઘટનાના વિરોધમાં આજે ગાગોદર સહિતના ચૌદ ગામ સ્વયંભૂ બંધ પાળી પ્રતીક ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.
આજે સવારે ગાગોદર રામમંદિરથી ટ્રેક્ટર દ્વારા એક વિશાળ રેલી નીકળી હતી. જે ઘટનાસ્થળે પહોંચી આંદોલન કરવામાં આવ્યું છે. આ ધરણાં પાંચ તારીખ સુધી ચાલશે. ત્યાં સુધી જો કોઈ નિર્ણય નહિ લેવાય તો અચોક્કસ મુદ્દતના અનશન, હાઈવે ચક્કાજામ, આત્મવિલોપન સહિતના વિરોધ કાર્યક્રમ છેડવાનું આયોજન કરાયું છે. આવતીકાલે મોરની હત્યાના વિરોધમાં ગાગોદર, પલાંસવા, આડેસર, લખાગઢ, કાનમેર, ચિત્રોડ, સાંય, થોરીયારી, કુંભારીયા, કિડીયાનગર, ભીમાસર સહિતના 14 ગામ બંધ પાળ્યુ છે, તો આજે ગાગોદર ગામ સંપૂર્ણ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આખરે કોણ હોઈ શકે છે રાષ્ટ્રીય પક્ષી મોરના દુશ્મન ? અને શા માટે મોરની હત્યા કરવામાં આવી? તે અંગે સવાલો ઊભા થયા છે. મોર હત્યા નિપજાવી દેવાની ઘટનામાં ધેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે..
કચ્છના વાગડ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર તેમજ નીલગાયના શિકારની પ્રવૃત્તિ વધી રહી છે. અભ્યારણમાં સતત પશુ પક્ષીની હત્યાના બનાવો વધી રહ્યાં છે. આજે ગાગોદર રાજબાઈ માતાજીના મંદિર ખાતે આજથી અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.. આગામી 5 તારીખ સુધી પ્રતીક અનશન ઉપવાસ આંદોલન શરૂ રહેશે.. સમગ્ર મોરના મોત મામાલે યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. ગાગોગર મોર હત્યા મામલે ફોરેસ્ટ વિભાગ તેમજ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. હજુસુધી મોરની હત્યા કરનાર આરોપીની કોઈ ભાળ મળી નથી. મોર હત્યા કરનાર આરોપી ક્યારે કેવી રીતે ઝડપાશે એ તો સમય જ કહેશે.