લોકસભાની ચૂંટણીમાં દેશમાં કોંગ્રેસનાં થયેલાં કારમા પરાજય બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી સ્વીકારી આપેલાં રાજીનામું અને તે પરત નહિ ખેંચવાનાં તેમનાં નિર્ણય બાદ સમગ્ર દેશમાંથી કોંગ્રેસનાં નેતાઓ દ્વારા રાજીનામાં આપવાની શરૂઆત થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી એઆઈસીસીનાં મહામંત્રી અને મધ્યપ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી દિપક બાબરિયાએ આપેલાં રાજીનામાં બાદ આજે પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી સહિત વધુ આઠ હોદ્દેદારોએ રાજીનામાં ધરી દીધાં હોવાનાં અહેવાલો સાંપડ્યાં છે.
રાહુલ ગાંધીના રાજીનામાંની બાબતને સમર્થન આપવા ગુજરાતના સિનિયર નેતા કે જેઓ એઆઇસીસીના મહામંત્રી અને મધ્યપ્રદેશના પ્રભારી તરીકે કાર્યરત હતા તેવા દિપક બાબરિયાએ પણ એઆઇસીસીના મહામંત્રી અને મધ્યપ્રદેશના પ્રભારી પદેથી પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને શુક્રવારે મોકલી આપ્યું છે.