અમદાવાદ,તા.01
નોટબંધી કરવાના અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવાના કેન્દ્રના ભાજપ સરકારના નિર્ણય પછી જો રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર કરી દેવામાં આવશે તો તે ભારતની જનતાનો આપવામાં આવેલો ત્રીજો મોટો ઝટકો હશે.આ સંજોગોમાં આરસીઈપીમાં સહીસિક્કા કરતાં પહેલા સરકારે પ્રજાજનો સાથે આ મુદ્દે ચર્ચા વિચારણાં કરવી જોઈએ. તેમ કરવામાં નહિ આવે તો ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ કોરિયા જેવા જાયન્ટ ભારતના અસંખ્ય ઉદ્યોગોને ઓહિયા કરી જશે અને દેશમાં બેકારી અને બેરોજગારી વધી જશે.
આરસીઇપીના કરારને ફાઈનલ કરવામાં ભારત સરકાર સક્રિય છે ત્યારે ખેડૂત, કેમિકલ, ડાયસ્ટફ, ફાર્માસ્યૂટિકલ્સ, ટેક્સટાઈલ સહિતના જુદાં જુદાં ક્ષેત્રમાંથી વિરોધનો વંટોળ ઊઠી રહ્યો છે. રાજ્ય સભાના સભ્ય જયરામ રમેશે તો એટલે સુધી કહી દીધું છે કે આ કરાર કઈ શરતો પર કરવામાં આવી રહ્યો છે તે અંગે પ્રજાજનોને અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. બીજું, ભારતમાં ક્વોલિટી રિસર્ચ ન થતું હોવાથી રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં તેનું વજન પડતું નથી. આ હકીકતને પણ કોઈપણ જાતના કરાર કરતાં પહેલા ધ્યાનમાં રાખવું જરૂરી છે.
રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવક ઇકોનોમિક પાર્ટનરશીપને કારણે વેપાર વધે છે તે હકીકત છે. તેનાથી અર્થતંત્રને વેગ મળી શકે છે તે પણ હકીકત છે. પરંતુ વરસોના ટ્રેક રેકોર્ડ પર નજર નાખવામાં આવે તો વિશ્વના મંચ પર આ પ્રકારના સોદાઓ કરવામાં ભારત તેની શરતોનો સ્વીકાર કરાવવામાં સફળતા મેળવી શક્યું નથી. આ કરારામાં ખરેખર શું થવા જઈ રહ્યું છે તેનો કોઈને જ પૂરો અંદાજ નથી. તેની શરતોની વિગતો જાહેર કરવામાં ન આવી હોવાથી જ દૂધની આયાત કરવાની છૂટ આપવામાં આવે તો ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના દૂધના ઉત્પાદકો ભારતના અમૂલ સહિતના દૂધ ઉત્પાદકોને ખતમ કરી નાખવા સક્ષમ છે તેવી દહેશત પણ અમૂલ સહિતના દૂધ ઉત્પાદકોએ વ્યક્ત કરી છે.
અમૂલ સહિતના ગુજરાતના દૂધ ઉત્પાદકોમાં તેનાથી ફફડાટ ફેલાઈ ગયો છે. હા, તેની અસર હેઠળ ભેળસેળવાળું દૂધ બજારમાં આવતું ઓછું થઈ શકે છે. હજી વીસ દિવસ પૂર્વે જ ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દ્વારા દૂધના સેમ્પલ લઈને કરવામાં આવેલી ચકાસણીમાં 903માંથી 71 સેમ્પલ નબળી ક્વોલિટીના હોવાનું બહાર આવ્યું છે. આ હકીકતને લોકોના ધ્યાન પર મૂકવાને બદલે ફૂડ એન્ડ ડ્રગ કમિશનર તેની હકીકત છુપાવવાની કોશિશ કરી રહી છે. પ્રજાના આરોગ્યને ભોગે તેઓ દૂધમાં ભેળસેળ કરનારાઓને નિભાવી રહ્યા છે. અધિકારીઓની આ ભ્રષ્ટ નીતિરીતિઓ પર કદાચ તેનાથી અંકુશ આવી શકે છે. પરંતુ સરકારે આ મુદ્દે સંબંધિત ક્ષેત્રના અગ્રાણીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી હોવાનું જણાતું નથી. ભૂતકાળમાં અન્ય દેશો સાથે કરવામાં આવેલા કરારને પરિણામે ભારતીયો અને ભારતીય વેપાર-ઉદ્યોગને ફાયદો થયો હોવાનું જોવા મળતું નથી.
કૃષિ ક્ષેત્રમાં ભારતમાંથી ડાંગરની 10 લાખ ટનની નિકાસ કરવાનો અવકાશ હોવાનું જોવા મળે છે. તેની સામે રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવક ઇકોનોમિક પાર્ટનરશીપ હેઠળના દેશોમાંથી કયા કૃષિ ઉત્પાદનોની આયાત થાય તો ભારતના ખેડૂતો પર તેની કેટલી અને કેવી અસર પડે તેનો ક્યાસ પણ કાઢવામાં આવ્યો હોવાનું જોવા મળતું નથી. ભારત અન્નના ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યો હોવા છતાંય ભારતમાંથી તેની નિકાસ વધતી નથી. તેમ જ તેની આયાત આસાનીથી વધી જતી હોવાનું જોવા મળે છે. રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવક ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર કરવાથી કઈ કોમોડિટીના ઉત્પાદકોને લાભ થશે અને કોને ગેરલાભ થશે તે અંગે આપણી સમક્ષ ક્લિયર પિક્ચર હોવું જરૂરી છે. આ અંગેની નક્કર વિગતો સરકાર પ્રજાજનો સમક્ષ મૂકી શકશે કે કેમ તે અંગે પણ આશંકા પ્રવર્તી રહી છે.
છેલ્લા બાર મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યું છે. બંને એક બીજાના દેશમાંથી આયાત કરવામાં આવતી વસ્તુઓ પર ડ્યૂટીનો બોજ નાખીને પોતાના દેશના ઉદ્યોગોને બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. આમ પોતાના ઉદ્યોગોને બચાવવા માટે મોટા દેશો પણ મથામણ કરી રહ્યા છે ત્યારે રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવક ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર કરવાથી ભારતીય ઉત્પાદકોના હાલ કેવા થશે કે થઈ શકે છે તેનો ઊંડાણ પૂર્વક સરકારે વિચાર કરવો જોઈએ અને ત્યારબાદ પ્રજાને તેની જાણ કરીને તે મુદ્દે કરાર કરવાનો નિર્ણય લેવો જોઈએ.
ભારતના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં લઈને સરકાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહી સિક્કા કરશે, વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયેલે બુધવારે જણાવ્યું હતું. એક લાખ કરોડના ટાર્ગેટને હસ્તગત કરવા માટે નિકાસમાં વધારો થવો પણ જરૂરી છે. ભારતના વેપારને વેગ આપવા માટે અને ઊંચા ટેક્સના દરને નીચે લાવવા માટે અને મૂડી ખર્ચ ઊંચો કરવો પડતી હોવાની સમસ્યાને ઉકેલવી પણ એટલી જ જરૂરી છે. પિયૂષ ગોયેલે એમ પણ કહ્યું હતું કે દેશ નિકાસમાં વધારો કરવો અને નિકાસ એક લાખ કરોડ ડોલરથી ઉપર લઈ જવી પણ એટલી જ જરૂરી છે. મેન્યુફેક્ચરર્સના હિતનું રખોપું કરવા સેફ ગાર્ડ ડ્યૂટીની જોગવાઈ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી. ભારતીય ઉદ્યોગ તેના પગ પર મજબૂત પણે ખડો રહે તે રીતે સેફગાર્ડ ડ્યૂટીનો ઉપયોગ કરવામાં આવશે. ભારતના ઉદ્યોગને વિકસવા માટેનો પૂરતો અવકાશ રહે તેની તકેદારી રાખવામાં આવશે. ભારતમાંથી નિકાસ વધે તે માટે નવા નવા બજારોના દરવાજા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ખુલી જશે. બે તરફથી લાભ નહિ મળતો હોય ત્યાં સુધી કોઈ જ મુક્ત વેપાર માટેના કરાર કરવામાં આવશે નહિ. સરકારે પહેલીવાર આ ખાતરી આપી છે. જોકે વેપાર ઉદ્યોગોની દહેશત તેનાથી ઓછી થઈ નથી. માત્ર દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રની કેટેગરીમાં લઈ જવાના લાયમાં આ નિર્ણય લેવો ઉચિત નથી.