રિલાયન્સના પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં તેજી, રિલાયન્સનું માર્કેટ કેપ નવ લાખ કરોડને પાર

અમદાવાદ,તા:૧૮
સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. હેવીવેઇટ રિલાયન્સ અને એચડીએફસી બેન્કના ટેકાએ શેરોમાં જોરદાર તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 246.32 પોઇન્ટ વધીને 39,298.38ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 75.50 પોઇન્ટ વધીને 11,661.90ના મથાળે બંધ રહ્યો હતો.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઇઇક્વિટીમાં રોકાણપ્રવાહ અને કેટલીક અગ્રણી કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામોને કારણે બજારનું સેન્ટિમેન્ટ તેજીમય હતું. વળી, નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે આગામી સમયમાં પણ અર્થતંત્રને વેગ આપવા માટે હજી વધુ સ્ટિમ્યુલસ આપવાનો સંકેત આપતાં બજારમાં તેજીવાળાઓ ગેલમાં આવી ગયા હતા.

બજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન નિફ્ટીના મોટા ભાગના ઇન્ડેક્સમાં તેજી થઈ હતી. જેમાં પીએસયુ બેન્ક અને મેટલ શેરોમાં સૌથી વધુ લેવાલી થઈ હતી. ફાઇનાન્સિયલ, ઓટો, આઇટી, એફએમસીજી અને ફાર્મા ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. જેમાં મારુતિ, પાવરગ્રિડ, એલ એન્ડ ટી, એનટીપીસી, એસબીઆઇ અને રિલાયન્સ સામેલ છે. જ્યારે તાતા મોટર્સ બજાજ ઓટો, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, સન ફાર્મા, એક્સિસ બેન્ક અને ઇન્ફોસિસમાં નફારૂપી વેચવાલી હતી. મિડકેપ શેરોમાં પણ તેજીનું વલણ હતું. એનએસઈ ખાતે 245.19.73 લાખ શેરોના વોલ્યુમ રહ્યા હતાં, જેમાં કુલ રૂ. 42,533.56 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સાથે એફઆઇઆઇએ 17 ઓક્ટોબરે શેરોમાં રૂ. 1158.63 કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 511.76 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.

મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 23 શેરો વધ્યા હતા, જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 36 શેરો વધ્યા હતા અને 16 શેરો ઘટ્યા હતા. આ સાથે બીએસઈ પર 1685 શેરો વધ્યા હતા અને 1001 શેરો ઘટ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 1526 શેરો વધ્યા હતા અને 621 શેરો ઘટ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 8 શેરો વધીને બંધ રહ્યા હતા.

લુપિન બે ટકા વધ્યો

લુપિન લિ.ના નાગપુર યુનિટને યુએસએફડીએ પાસેથી એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ મળતાં કંપનીનો શેર બે ટકા વધ્યો હતો. કંપનીના શેરમાં એનએસઈ ખાતે 18.13 લાખ શેરનું વોલ્યુમ હતું અને કંપનીના શેરમાં 13,339.46 લાખનું માર્કેટ કેપ હતું.

દેશની પહેલી રૂ. નવ લાખ કરોડની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નવ લાખ કરોડ રૂપિયાના કેપિટલવાળી દેશની પહેલી કંપની બની ગઈ છે. કંપનીના શેરમાં શુક્રવારે 1.7 ટકાનો ઉછાળો આવતાં વેલ્યુએશન વધીને 9.01 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયા હતા. રિલાયન્સ સૌથી વધુ નફો કરતી કંપની બની ગઇ હતી. પેટ્રોલિયમથી લઇ રિટેલ અને ટેલિકોમ જેવા વિવિધ સેક્ટરમાં ફેલાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ નાણાકીય વર્ષ 2018-19માં કુલ 6.23 લાખ કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. તો આઇઓએસીએ 31 માર્ચ 2019ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં 6.17 લાખ કરોડ રૂપિયાનો એકીકૃત કારોબાર કર્યો છે. જ્યારે આરઆઇએલ આઇઓસીથી બે ગણો નફો કમાઇ દેશની સૌથી મોટી નફો કમાતી કંપની પણ છે.

રિલાયન્સના શેરમાં આવેલી તેજીને પગલે કંપનીના માર્કેટ કેપમાં મોટો ઊછાળો આવ્યો છે. હવે એકલી રીલાયન્સની માર્કેટ કેપ છ સરકારી કંપનીઓને બરાબર થયું છે. એસબીઆઇનું માર્કેટ કેપ 2.4 લાખ કરોડ છે. ઓએનજીસીની 1.8 લાખ કરોડ, આઇઓસીની 1.4 લાખ કરોડ, એનટીપીસીની 1.2 લાખ કરોડ, પાવર ગ્રીડની 1 લાખ કરોડ અને બીપીસીએલની 1.1 લાખ કરોડ છે. આ તમામ સરકારી કંપનીઓની માર્કેટ કેપ મળીને પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કરતાં ઓછું છે. કંપનીનો શેર ટ્રેડિંગ સેશનને અંતે 1.40 ટકા વધીને રૂ. 1,416ના ભાવે બંધ રહ્યો હતો.

સીસીડીને ખરીદવામાં હવે તાતા ગ્રુપ અને મેક્‌ડોનાલ્ડ્સને રસ

કોફી ડે એન્ટરપ્રાઇઝિસ તેની રિટેલ ચેઇન કાફે કોફી ડેના ઓપરેશન્સને વેચવાના પ્રયાસો ઘણા સમયથી કરી રહી છે અને તેના પરિણામે ભારતમાં સ્ટારબક્સ ફ્રેન્ચાઇઝી ચલાવતા તાતા ગ્રુપે અને મેક્‌ડોનાલ્ડ્સ ફ્રેન્ચાઇઝી ચાલવતા જટિયા પરિવારે આ સોદામાં રસ દર્શાવ્યો છે એમ આ બાબતથી પરિચિત ત્રણ સૂત્રએ કહ્યું હતું. સીડીઈએલના બોર્ડે અગાઉ કોફી બીન અને ટી લીફ નામની ચેઇનમાં રોકાણ કરી ચૂકેલા કેટલાક પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારોનો પણ સંપર્ક સાધ્યો હતો.

ઉપરોક્ત માહિતી આપનારા એક સૂત્રએ કહ્યું હતું કે મેક્‌ડોનાલ્ડ્સ ઇન્ડિયા સાથે થયેલી પ્રાથમિક તબક્કાની મંત્રણા પરથી સંકેત મળે છે કે તેને સીસીડી બ્રાન્ડમાં રસ છે. સીડીઈએલના બોર્ડે આઇટીસી અને કોકા કોલા સાથે પણ વાટાઘાટ હાથ ધરી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સીડીઈએલનું બોર્ડ તેના કોફી બિઝનેસ માટે વ્યૂહાત્મક ખરીદદારની શોધમાં તમામ મોરચે શોધખોળ કરી રહી છે પરંતુ અત્યાર સુધીમાં કોઈ નક્કર સોદો થયો નથી. નવા ખરીદદારોનાં નામ સાંભળવા મળે છે અને તેમને માત્ર બ્રાન્ડમાં રસ હોય તેવી શક્યતા લાગે છે.એમ કંપનીની હિલચાલ સાથે નજીકથી સંકળાયેલા અધિકારીઓ પૈકીના એક અધિકારીએ કહ્યું હતું. ગુરુવારે BSE પર કાફે કોફી ડેના શેરનો ભાવ 2.04 ટકા વધીને રૂ. 35એ બંધ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સીસીડીના સ્થાપક વીજી સિદ્ધાર્થે બે મહિના પહેલાં ભેદી સંજોગોમાં આત્મહત્યા કર્યા બાદ કંપની મુશ્કેલીમાં મુકાઈ હતી અને કંપનીના ચોપડે અનેક લોકોના પૈસા ચૂકવવાના બોલે છે તેમજ બોર્ડને કંપનીનું ઓપરેશન્સ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. જુલાઈના અંત સુધીની માહિતી પ્રમાણે કંપનીના ચોપડે રૂ. 4,970 કરોડનું દેવું છે.