રિવરફ્રન્ટની પાળે બેઠેલા કપલને પરેશાન કરી નકલી પોલીસે લાફા માર્યા

વહેલી પરોઢના પોણા પાંચ વાગે રિવરફ્રન્ટની પાળ પર બેઠેલા એક કપલને નકલી પોલીસે પરેશાન કરી યુવકને લાફા માર્યા હોવાની ફરિયાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ લખેલાં બાઈક અને મોપેડ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

મકરબા ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં રિક્રૂટમેન્ટ કન્સલટન્ટ હિમાંશુ હરિચંદ્ર ભન્નારે (ઉ.25 રહે. સુગમ એપાર્ટમેન્ટ, વાસણા બસ ટર્મિનસ પાસે મૂળ રહે. રાજસ્થાન) તેની ઓફિસમાં કામ કરતી યુવતિ સાથે ગઈકાલે વહેલી પરોઢના ચારેક વાગે રિવરફ્રન્ટ ગયો હતો. ઉસ્માનપુરા ગાર્ડનથી દધીચી બ્રિજ વચ્ચે આવેલા રિવરફ્રન્ટની પાળે હિમાંશુ અને તેની ગર્લફ્રેન્ડ બેઠા હતા. આ સમયે મોપેડ પર બે શખ્સો આવ્યા હતા અને બન્નેની ઓળખ માટેના પૂરાવા માંગી મોબાઈલ ફોન લઈ લીધા હતા. ત્યારબાદ પોલીસ લખેલું બાઈક લઈને આવેલા શખ્સે બોલાચાલી કરી હિમાંશુ ભન્નારેને બે-ત્રણ લાફા મારી દીધા હતા અને મોબાઈલ ફોન પરત કરી ત્રણેય શખ્સો ચાલ્યા ગયા હતા.