અમદાવાદના મણિનગરમાં આવેલી દિવાન બલ્લુભાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ વડોદરાના મહી વોટરગેટ રિસોર્ટનાં પ્રવાસે ગયા હતા, જ્યાં 13 વર્ષીય વિદ્યાર્થી જીમીલ ગોપાલભાઇ કવૈયાનું મોત થઇ ગયું છે, જ્યારે વિદ્યાર્થીઓ ગાડી જેવી બેટરી સંચાલિત રાઇડમાં મજા માણી રહ્યાં હતા, તે સમયે જીમીલે રાઇડમાંથી પોતાનું માથું બહાર કાઢ્યું અને બાજુના થાંભલા સાથે અથડાતા તેનું મોત થઇ ગયું, તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધી મોડું થઇ ગયું હતુ, માસૂમ વિદ્યાર્થીએ આ દુનિયા છોડી દીધી હતી.
ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પરિવારે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેમનો માસૂમ પુત્ર તેમને છોડીને ચાલ્યો જશે, મહિ વોટર ગેટ રિસોર્ટમાં બનેલી આ ઘટના પછી પોલીસ કાફલો અહીં પહોંચી ગયો હતો અને વિદ્યાર્થીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો, બીજી તરફ સ્કૂલના શિક્ષકોએ આરોપ લગાવ્યો છે કે અહી રાઇડમાં બેસતા લોકો માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા નથી, જેની તપાસ થવી પણ જરૂરી છે, જો રિસોર્ટ સંચાલકોની કોઇ બેદરકારી હોય તો તેમની સામે કાર્યવાહી થવી જોઇએ.