અમદાવાદ, તા. 13
અમદાવાદના ઓટોરીક્ષા ચાલકના વિવિધ સંગઠનના અગ્રણીઓ આવતીકાલ 14મી ઓક્ટોબરે તેમના વણઉકલ્યા પ્રશ્નોને લઈને શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘને મળીને રજૂઆત કરશે. સંગઠનોનો આક્ષેપ છે કે, બે લાખ કરતાં વધારે રીક્ષા શહેરમાં હોવા છતાં માત્ર 3200 જ રીક્ષા સ્ટેન્ડ હોવાના કારણે પોલીસ દ્વારા તેમની સામે ખોટી રીતેકનડગત કરવામાં આવે છે એ બાબતે ઉગ્ર રજૂઆત કરશે.
ક્યા ક્યા છે વણઉકલ્યા પ્રશ્નો?
અમદાવાદ ઓટોરિક્ષા ચાલક સંઘના અગ્રણી રાજવીર ઉપાધ્યાયે આ મામલે આરોપ લગાવતાં જણાવ્યું કે, શહેરમાં અંદાજે 2 લાખ કરતાં વધારે ઓટોરીક્ષાઓ ફરે છે. તેની સામે તંત્ર દ્વારા ઓટોરિક્ષાઓને ઊભી રાખવા માટે માત્ર 3200 સ્ટેન્ડ આપવામાં આવ્યા છે. જેના કારણે અનેક સમસ્યાઓનો ઓટોરિક્ષા ચાલકો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિને કારણે શહેર પોલીસ દ્વારા વિવિધ કલમોનો દૂરૂપયોગ કરીને ચાલકો સામે કાર્યવાહી કરે છે. આટલું ઓછું હોય એમ ઓટોરિક્ષા પણ ડિટેઈન કરી લેવામાં આવે છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ જેવા વિકસાવેલા પર્યટન સ્થળ પર ઓટોરિક્ષા લઈ જવા પર જે પ્રતિબંધ મૂક્યો છે તે તદ્દન ગેરવ્યાજબી છે અને રિક્ષાચાલકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન સમાન છે. ત્યારે શહેર પોલીસે આ પ્રકારના પ્રતિબંધો તાત્કાલિક ઉઠાવી લેવા જોઈએ.
અગ્રણીઓ પોલીસ કમિશનરને રજૂઆત કરશે
આ પ્રશ્નોના અનુસંધાને ઓટો રિક્ષાચાલક સંગઠનના અગ્રણીઓ રાજવીર ઉપાધ્યાય, અશોક પંજાબી, વિજય મકવાણા, અરૂણ શુક્લ, યાસીન સૈયદ, મકસુદ શેખ, મોસીનખાન પઠાણ અને પ્રકાશ પંડ્યા વગેરે પ્રતિનિધિ મંડળ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરશે.